ગણેશોત્સવની શાંતિપૂર્ણ ઉજવણી માટે સુરત પોલીસ કમિશનર મેદાને, લિંબાયત-ડિંડોલીમાં ઉતારી શ્રીજીની આરતી.

સુરત :

સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણપતિની મૂર્તિ પર પથ્થરમારો થયા બાદ હાલ અજંપાભરી શાંતિ છે. શહેરમાં અન્ય જગ્યાએ કોઈ અણબનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરમાં ચાલતો ગણેશોત્સવ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જઈને આરતી કરવામાં આવી રહી છે.

સુરત પોલીસ કમિશ્નર દ્વારા લિંબાયત અને ગોડાદરા-ડિંડોલી વિસ્તારમાં આવેલ ગણપતિ પંડાલ પહોંચી ગણપતિની આરતી કરવામાં આવી હતી. કમિશનર ખુદ પંડાલમાં જઈ રહ્યા હોવાથી આડકતરી રીતે હવે પછી કોઈ જ છમકલા સાંખી નહી લેવામાં આવે તેવો મેસેજ અપાઈ રહ્યો છે.પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે કહ્યું કે, અમે આજે અલગ અલગ જગ્યાએ શ્રીજીની આરતી ઉતારી હતી. અમે ભગવાનને પ્રાર્થના કરી કે લોકો ખૂબ સુખ શાંતિથી પ્રગતિ કરે. અમે આયોજકો દ્વારા અલગ અલગ રીતે બેસાડવામાં આવેલી ગણપતિની થીમને જોઈને પ્રશંસા કરી છે.

અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)