ગિર પૂર્વના ધારી વિસ્તારમાં 511 કર્મચારીઓ અને સ્વયંસેવકો જોડાયા: રાજ્યના 11 જિલ્લામાં એશિયાટિક સિંહની 16મી વસ્તી ગણતરી પુર્ણતાઅભિમુખ!

અમરેલી, 13 મે 2025 (મંગળવાર)
ગુજરાતના ગૌરવ એશિયાટિક સિંહોની વસ્તી હવે માત્ર ગિર પૂરતી સીમિત રહી નથી, પરંતુ એશિયાટિક લાયન લેન્ડસ્કેપ મુજબ રાજ્યના 11 જિલ્લાના 58 તાલુકા સુધી વિસ્તરી ચૂકી છે.
વર્ષ 2025માં યોજાયેલી ૧૬મી સિંહ વસ્તી ગણતરીમાં મહત્વપૂર્ણ કામગીરી ધારી ગિર પૂર્વ વન વિભાગમાં 10થી 13 મે દરમિયાન હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત રિજનલ અધિકારીઓ, ઝોનલ અધિકારીઓ, ગણતરીકારો, ઓબ્ઝર્વરશ્રીઓ તેમજ 511 જેટલા સ્વયંસેવકોએ સંકલિત પ્રયાસોથી સિંહ વસવાટ વિસ્તારોમાં દૈનિક અવલોકન અને ડેટા રેકોર્ડિંગ કરી કિંમતી સેવાઓ આપી.

આ પુનઃગણતરી કાર્ય માટે રાજયના 35,000 ચો.કિ.મી વિસ્તારમાં આવેલા 8 રિજિયન, 32 ઝોન અને 112 સબઝોનમાં વિસ્તૃત આયોજન હેઠળ કામગીરી અમલમાં મૂકવામાં આવી હતી. વસ્તી અંદાજ માટે ખાસ કરીને 24 કલાકના નિર્ધારિત સમયગાળામાં સિંહોની હાજરી, દિશા, ચિન્હો, ચરિત્ર અને અન્ય માપદંડો મુજબ નોંધ કરવામાં આવી.

અત્યાધુનિક GIS અને સ્ટેટિસ્ટિકલ સોફ્ટવેરના આધારે એકત્રિત થયેલા ડેટાનું વિશ્લેષણ થતું જઈ રહ્યુ છે, જેના આધારે very soon સિંહોની વધુ સચોટ વસ્તીનો અંદાજ જાહેર કરાશે.

આ કામગીરી દરમિયાન ‘ડાયરેક્ટ બીટ વેરિફિકેશન પદ્ધતિ’ અપનાવવામાં આવી છે, જેને ઘણા દાયકાથી વન વિભાગ દ્રારા સફળતાપૂર્વક અમલમાં લાવવામાં આવી રહી છે. આ પદ્ધતિ દ્વારા 100% ચોકસાઇથી વિસ્તાર અને વસ્તીનું મૂલ્યાંકન શક્ય બને છે.

ઇતિહાસ દર્શાવે છે કે…
ગુજરાતમાં સૌપ્રથમ 1936માં સિંહ વસ્તીની ગણતરી યોજાઈ હતી. ત્યારથી અત્યાર સુધીના દાયકાઓમાં રાજ્ય સરકારે સિંહ સંવર્ધન માટે સતત પ્રયાસો કર્યાં છે. પરિણામે વર્ષ 1995માં 304 સિંહો હતા, જે સંખ્યા 2020માં વધીને 674 થઈ ગઈ છે.

આ વર્ષે સરેરાશ 2,900 જેટલા અધિકારીશ્રીઓ અને સ્વયંસેવકો રાજ્યના વિવિધ વિસ્તારોમાં ફરજ બજાવી રહ્યા છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા તથા રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સિંહ સંરક્ષણને એક નવી દિશા મળી છે.

આપણું “ગૌરવ” ગણાતા એશિયાટિક લાયનનું ભવિષ્ય સુરક્ષિત રહે એ માટે આવા આયોજનકારક પ્રયત્નો સમય સમય પર જરૂરી બને છે, અને રાજ્યના વન વિભાગે તેનો ઉત્તમ ઉદાહરણ આજે ફરી ઉભું કર્યું છે.

રિપોર્ટર: સંજય વાળા, ધારી