
વેરાવળ, તા. ૧૩ મે, ૨૦૨૫:
ગિર સોમનાથ જિલ્લાના કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એન.વી. ઉપાધ્યાયે જિલ્લામાં આવેલા ઔદ્યોગિક અને ખાનગી એકમો માટે મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા અંતર્ગત હવે સંગઠિત કે અસંગઠિત રીતે રોજગારી આપતી સંસ્થાઓ માટે રોજગાર આપતા પહેલા શ્રમિકો/કામદારોની નાગરિકતા, ઓળખ તથા પૂર્વઈતિહાસની ચોકસાઈ ફરજિયાત બનાવાઈ છે.
🏭 જિલ્લામાં કાર્યરત ઔદ્યોગિક એકમોનો ઉલ્લેખ:
ગિર સોમનાથ જિલ્લામાં વેરાવળ રેયોન ફેક્ટરી, સુત્રાપાડામાં જી.એચ.સી.એલ. અને સિદ્ધિ સિમેન્ટ, કોડીનારમાં અંબુજા તથા સુગર ફેક્ટરી, તેમજ નેશનલ હાઈવેના માર્ગ કામો સહિત અનેક ઔદ્યોગિક પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ તમામમાં અનેક વિભિન્ન રાજ્યોમાંથી શ્રમિકો રોજગારી માટે આવે છે.
🛑 આંતરિક સુરક્ષાને ધ્યાનમાં લેતી કાર્યવાહી:
જિલ્લા મેજિસ્ટ્રેટના જણાવ્યા મુજબ ઘણી વખત રોજગાર આપતી સંસ્થાઓ શ્રમિકોની ઓળખ ન થવા છતાં તેમને કામે રાખે છે, જે દેશની આંતરિક સુરક્ષા માટે જોખમરૂપ છે. તેથી તમામ રોજગારદાતાઓ માટે જરૂરી છે કે, કાર્યરત શ્રમિકોનું ઓળખપત્ર, નાગરિકતા અને પોલીસ વેરિફિકેશન કરાવ્યા પછી જ તેમને કામ પર રાખવામાં આવે.
📌 જાહેરનામાની અમલવાર અસર:
આ જાહેરનામું તા. ૧૩/૦૫/૨૦૨૫થી આગામી ૬૦ દિવસ માટે અમલમાં રહેશે. જો કોઈ સંસ્થા કે વ્યક્તિ આ હુકમનું ઉલ્લંઘન કરશે તો તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૨૩ હેઠળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
📍 શાસકીય ઓફિસો માટે છૂટછાટ:
સરકારી, અર્ધસરકારી, બોર્ડ, નિગમ અથવા ગ્રાન્ટ-ઈન-એઈડ હેઠળની સંસ્થાઓ માટે આ જાહેરનામા હેઠળ છૂટછાટ આપવામાં આવી છે.
📝 અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ