ગિરનારની ઘાટીમાં ભજનનો ગુંજારો: લંડનથી આવતા એક ભાવિકની અનોખી ભક્તિગાથા!

– નવયુવાન અર્પણભાઈ ફટાણીયાની ગીરીનાર પ્રત્યે અનન્ય શ્રદ્ધા

– ભજનના માધ્યમથી વિદેશમાં પણ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવાનો અનોખો સંકલ્પ

– પવિત્ર ભૂમિ ગિરનાર, જ્યાં ઉગ્ર તપસ્યા અને ભક્તિ એકસાથે સ્પંદે છે!

જૂનાગઢ, તા. ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૫:

“ગિરનારમે વો આતે હૈં જીસકો યોગી સ્વરૂપ ગિરનારી મહારાજ બુલાતે હૈ…”—આ એક કહેવત નથી, પણ એ ભાવ છે, એક ઊંડો અનુભવ છે! અને એ અનુભવ જીવી રહ્યા છે યુનાઈટેડ કિંગડમમાં જન્મેલા, ઉછરેલા અને હવે પણ ત્યાં વસવાટ કરતા એક ભક્ત, એક ભાવિક, એક ભજનિક—અર્પણભાઈ ફટાણીયા!

વિદેશમાં જન્મેલા, ત્યાંની સંસ્કૃતિમાં ઉછરેલા છતાં, તેમના અંતરાત્મામાં ભારતીય સનાતન ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યેની અતૂટ ભક્તિ પ્રવહે છે. તેમની આસ્થા માત્ર એક ભાવનામાં બંધાઈ નથી; તે તેમની જીવનશૈલી બની ગઈ છે. અને તે જીવનશૈલીનો એક અનિવાર્ય ભાગ છે મહાશિવરાત્રી મેલાની તપોભૂમિ ભવનાથ સાથેનું અનોખું નાતું!

– ભજન અને ભક્તિ: એક જ્ઞાનમાર્ગ

વિશ્વવિખ્યાત ભજનિક અને સુપ્રસિદ્ધ કલાકાર સ્વ. પ્રાણલાલ વ્યાસના અંતિમ શિષ્ય તરીકે ઓળખાતા અર્પણભાઈએ ૨૦૦૬માં સંગીત અને ભજનની તાલીમ મેળવવાનું શરૂ કર્યું. ભજનો ગાતા-ગાતા, સંગીતની સ્વરલહેરીઓમાં ગુમ થતા-થતા, તેમણે એક અનોખી જ સંગીતયાત્રા શરૂ કરી. ભજન ગાવું એ માત્ર એક કળા નથી, એ એક સાધના છે, એ એક સાધન છે—પરમાત્મા સુધી પહોંચવાનું.

– ગિરનારથી લંડન સુધીની આસ્થા

અર્પણભાઈ ફટાણીયા માટે ગિરનાર એ માત્ર એક પર્વત નથી, એ એક તીર્થધામ છે, એ એક આસ્થા અને શ્રદ્ધાનો અખૂટ પ્રવાહ છે. ૨૦૦૮થી દર વર્ષે તેઓ હઝારો માઇલ દૂર લંડનથી ગિરનારની તપોભૂમિમાં શિવભક્તિ માટે આવે છે. ભવનાથની રણકારતી શીલોમાં, ગિરનારના પર્વતોની ઉંચાઈઓમાં અને શિવસાધુઓના જપતાપમાં તેઓ એક નવી ઉર્જા અનુભવે છે.

“તપોભૂમિ ભવનાથ પ્રત્યે મને અખૂટ પ્રેમ છે. દર વર્ષે અહીં આવતા મને એવું લાગે કે મારું જીવન પવિત્ર બની જાય છે. અહીંના પર્વતો, અહીંની રજ, અહીંના સાધુ-સંતો—બધું જ મને પોતાની ધરતીની યાદ અપાવે છે,” એમ તેઓ ભાવવિભોર થઈ કહે છે.

– સ્વચ્છતા અને સંસ્કૃતિ: ગિરનારની નવી ઓળખ

“લંડનમાં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે, પણ મને ગિરનાર તપોભૂમિમાં આવીને બહુ આનંદ થયો કે અહીં પણ પ્લાસ્ટિક પર પ્રતિબંધ છે. આ એક શિસ્તબદ્ધ સમાજની નિશાની છે,” તેઓ ઉમેરે છે. ભારતીય પરંપરાઓ અને આધુનિક વ્યવસ્થાપનનો સમતોલ સંગમ જોવા મળતો આ મેળો અર્પણભાઈ જેવા ભાવિકો માટે એક અનોખું તીર્થ બની ગયું છે.

– સંતવાણી અને શિવભક્તિનું સંગમ

ગોરખનાથ આશ્રમ, જૂનાગઢ ખાતે તેઓ દર વર્ષની જેમ આ વર્ષે પણ સંતવાણીની પ્રસ્તુતિ કરી રહ્યા છે. ભજન અને ભક્તિથી પરિપૂર્ણ આ પવિત્ર ક્ષણોમાં, તેઓ તેમની સુરીલી વાણી દ્વારા હજારો ભાવિકોનું દિલ જીતી લે છે. તેમના સંગીતમાં માત્ર રાગ અને તાલ નથી, તેમાં પરમાત્મા પ્રત્યેની તલપ છે, એક અનન્ય એકાગ્રતા છે!

– અંતમાં…

વિશ્વ આજે ખૂબ ઝડપથી બદલાઈ રહ્યું છે, નીતનવા આધુનિક ટેકનોલોજી અને સંસ્કૃતિઓ ઉદ્ભવી રહી છે. પણ, જ્યાં ક્યાંક એક ભાવિક તેના મન-મંદિરમાં ભજન ગાઈને શિવને સમર્પિત થઈ જાય, ત્યાં આજે પણ સનાતન ધર્મ જીવંત છે.

આજની દોડધામ ભરી દુનિયામાં, લંડનથી અહીં આવેલા આ ભજનિકની ભક્તિ આપણને એક મોટો સંદેશ આપે છે—”ભક્તિની કોઈ સરહદ નથી.” ભક્તિ હંમેશા હૃદયમાં વસે છે, ભજન હંમેશા આત્માની ગુફાઓમાં ગુંજતું રહે છે. અને જ્યારે ભજનની તાન ગિરનારની ઊંચાઈએ ગુંજે, ત્યારે આખું બ્રહ્માંડ શિવમય બની જાય!

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ