ગીર ગઢડા તાલુકાના આંબાવાડ ગામના ઉકાબાપા વઘાસીયા આજે વાંચનવીર તરીકે પ્રસિદ્ધ થયા

આજે વિશ્વ પુસ્તક દિવસ છે ત્યારે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના એક અનોખા પુસ્તક પ્રેમી ખેડૂતની ગીર સોમનાથ જિલ્લા ના ગીરગઢડા તાલુકાના આંબાવાડ ગામના વયોવૃધ્ધ ખેડૂતના વાંચનના શોખે તેઓને ગુજરાત ભરમાં નામના અપાવી છે.આંબાવડ ગામના ઉકાબાપા વઘાસિયાએ આજે પોતાના નામની સાથે ગામના નામને પણ લોકે જીભે રમતું કરી દીધું છે.’વાંચે ગુજરાત’ અભિયાનના તેઓ બ્રાન્ડ એમ્બેસેડર બની ચુક્યા છે.ગીરના સાવ નાનકડા ગામના ઉકાબાપા વાંચનના શોખથી ખૂબ પ્રસિદ્ધિ પામી રહ્યા છે.78 વર્ષની વયે ઉકાબાપાએ તેમના વાંચન શોખને પ્રાધાન્ય આપી શકાય તે માટે ઘરમાં જ અલાયદું પુસ્તકાલય ઉભુ કરી નાખ્યું છે.સામાન્ય ખેડૂત પરિવાર માંથી આવેલા અને માત્ર જૂની ત્રણ ચોપડીનો અભ્યાસ ધરાવતા ઉકાબાપા આજે તેમના વાંચન શોખને લઈને ચર્ચામાં છે. ચાલો જાણીએ ઉકાભાઇ વઘાસીયાનાં વાંચન શોખથી લઈને તેમના પુસ્તકાલય વિશે.

ગિરગઢડા તાલુકાના આંબાવડ ગામના ખેડૂત પરિવારના વયોવૃદ્ધ ઉકાબાપા વઘાસીયા તેમના વાંચન શોખને કારણે આજે ગુજરાત ભરમાં પ્રસિદ્ધિ પામ્યા છે.તેઓની વાંચવાની ભૂખ જેમ જેમ તેમની આયુ વધતી જાય છે તેમ તેમ ખીલતી જાય છે.તેમના વાંચન શોખ ને પૂરો કરવા માટે તેમજ વાંચન પ્રત્યેક વ્યક્તિના જીવનમાં કેટલું મહત્વનું પરિબળ બની શકે છે તેને ધ્યાને રાખીને ઘરમાં જ એક અલાયદું પુસ્તકાલય ઉભું કરી નાખ્યું છે.તેઓના આ વ્યક્તિગત પુસ્તકાલયમાં આજે પણ અંદાજિત 7000/- સાત હજાર કરતાં વધુ પુસ્તકો છે. સંસારીના કબાટો ખોલો એટલે તેમાંથી રાચ રચીલું બહાર આવે પરંતુ અલગ માટીના માનવી ઉકાબાપા વઘાસીયાની અલમારી માંથી માત્ર પુસ્તકો બહાર આવે છે જે તેના વાંચન શોખને પ્રતિ પાદિત કરે છે. ઉકાબાપા એ નાનપણ થીજ તેમના વાંચન શોખને આગળ ધપાવ્યો છે.ઉકાબાપા આજે પણ માને છે કે, ‘વાંચન પ્રત્યેક વ્યક્તિના જીવનનું અવિભાજ્ય અંગ હોવું જોઈએ.’ જેને કારણે તેઓ આજે 78 વર્ષની આયુ પૂર્ણ કરી હોવા છતાં પણ તેમના વાંચન શોખ ને સતત આગળ ધપાવી રહ્યા છે. ઉકા બાપા વઘાસીયા ખેતીવાડી,રાજનીતિ અર્થવ્યવસ્થા,ધર્મ,વિજ્ઞાન,શિક્ષણ અને ટેકનોલોજી સહિત અનેક પ્રકારના પુસ્તકો,આર્ટીકલો અને મેગેઝીનનો વાંચવાનો શોખ ધરાવે છે.ઉકાબાપાનો વાંચન શોખ અને પુસ્તકો પ્રત્યેના અપાર પ્રેમને કારણે તેઓએ પોતાનાં ઘરમાં જ આખું પુસ્તકાલય વસાવ્યું છે.જેનો લાભ આસપાસના પાડોશીઓ અને ગ્રામજનો ને પણ માર્ગદર્શન સાથે મળી રહ્યો છે. આવા ઉમદા વિચાર સાથે તેમણે સાત હજાર કરતાં પણ વધુ વાંચેલા પુસ્તકો તેમના ઘરની અંદર બનેલા પુસ્તકાલયમાં સાચવ્યા છે. વાંચન શોખ ને જીવનનો મંત્ર બનાવી ચૂકેલા ઉકાબાપા વઘાસીયા ને મોટા ગજાના લેખકો અને કવિઓ તેમજ સાહિત્યકારો વ્યક્તિગત નામથી ઓળખે છે.જે લોકોને મળવા માટે સમય માંગવો પડે તેવા લોકો સામેથી ઉકાબાપા ને મળવા માટે આંબાવડ ગામ પહોંચી જાય છે.વધુમાં ઉકાબાપા જે લેખકોના પુસ્તકો વાંચે છે તેમનો પ્રતિભાવ તેઓ ટપાલ મારફતે આજે પણ મોકલી રહ્યા છે.પુસ્તક વાંચ્યા બાદ તેમનો પ્રતિભાવ આપવો એ એક સાચા વાચકની નિશાની છે.


પોતાના યુવાની કાળમાં પારંપરિક ખેતી કામમાં પરિવારની મદદ કર્યા બાદ સ્વાધ્યાય પ્રવૃત્તિમાં મગ્ન થયેલા યુવાન ઉકાભાઈ સાંજના સમયે પુસ્તકો વાંચવાનુ શરૂ કરતા હતા જે મોડી રાત સુધી સતત વાંચન પ્રવૃત્તિમાં રત રહેતા હતા.આજે 78 વર્ષની આયુએ પહોંચેલા ઉકાબાપા પુસ્તકો વિશે પોતાનો એક અલગ અભિપ્રાય ધરાવે છે.તેઓ માને છે કે, ‘એક પુસ્તક જીવન માં શ્રેષ્ઠ મિત્રની ગરજ સારે છે.કોઈપણ વ્યક્તિએ સુદ્રઢ અને સંસ્કારી બનવું હોય તો તેમણે ચોક્કસ પણે સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ પછી ભલે તે પુસ્તક તેમની વિચારધારા થી અલગ કેમ ના હોય…!!’ ઉકાભાઈ આજે પણ કવિ નર્મદ,ઝવેરચંદ મેઘાણી,ગુણવંત શાહ,કાજલ ઓઝા વૈદ્ય અને નવા જમાનાના લેખકોના પુસ્તકો વાંચવાનુ પસંદ કરે છે.તેઓ અત્યાર સુધીમાં 7000 જેટલા પુસ્તકો વાંચ્યા છે પરંતુ આ પુસ્તકો માંથી કોઈ એક શ્રેષ્ઠ પુસ્તક કયું તે કહેવું તેમના માટે ખૂબ મુશ્કેલ છે. તેઓ જણાવે છે કે મેં જેટલા પુસ્તકો વાંચ્યા છે તેમાં કોઈ એક નવી શ્રેષ્ઠ વાત મને જાણવા મળી શકે માટે કોઈ એક પુસ્તક શ્રેષ્ઠ છે તેવું કહેવું મારા માટે ખૂબ મુશ્કેલ છે. ગીરના આંબાવડ ગામના વડીલ અને પુસ્તક પ્રેમી તેમજ પુસ્તકોને ભગવાન સમક્ષ ગણતા ઉકાબાપાને અમે પ્રશ્ન કર્યો… આજના આધુનિક યુગમાં કેટલાક લોકો માને છે કે, અખબારો અને પુસ્તકોનો યુગ પૂરો થયો છે…? આપ શુ માનો છો..? પ્રત્યુત્તરમાં ઉકાબાપા કહે છે…”ભઈલા…અખબારો,મેગેઝીનો અને પુસ્તકોનો યુગ ક્યારેય પૂરો થવાનો નથી. તે સાક્ષાત ઈશ્વરની જેમ અવિનાશી છે. જ્યાં સુધી માનવીની વાંચન ભૂખ રહેશે ત્યાં સુધી આ સાહિત્યનો સૂર્ય તપતો જ રહેવાનો.આજે ચાર ચોપડી ગુજરાતી ગ્રામ્ય કક્ષાએ ભણેલા માણસને વિવેચકો,સાહિત્ય પ્રેમીઓ,ઉમદા લેખકો, કવિઓ,નેતાઓ અને કલેકટર સહિતના અધિકારીઓ પાસે બેસવા મળે,વિચાર ગોષ્ઠી કરવા મળે તો તે માત્ર પુસ્તકોને અને મારા વાંચન શોખને આભારી છે…”

ગીર સોમનાથ જિલ્લાના ગિરગઢડા તાલુકાના નાના એવા ગામ આંબાવડની વસ્તી હશે માંડ 1500 થી 2000 પણ આ ગામના વડીલ ઉકાબાપાએ ગામનું નામ રોશન કર્યું છે.ગીર ના પુસ્તક પ્રેમી કોણ…? તેવા પ્રશ્નના જવાબમાં લોકો કહે છે. પુસ્તક પ્રેમી ઉકાબાપા વઘાસિયાનું. ઉકા બાપાએ પોતાનો વાંચન શોખ સીમિત નથી રાખ્યો.તેને વિસ્તારવા દીધો છે. પોતાના આસપાસ ના ગામ તાલુકા અને જિલ્લા સહિત કેન્દ્ર સાશીત પ્રદેશ દિવમાં ઉકાબાપાની પ્રેરણાથી 5 જેટલી લાઈબ્રેરી પણ નિઃશુલ્ક ચાલે છે.ઉકાબાપા પોતાના કામોમાંથી કીમતી સમય કાઢી લેખકો અને કવિઓ નો સંપર્ક કરી આસપાસની વિસ્તારની સ્કૂલોમાં પણ કવિઓને અને લેખકોને લઈ જાય છે નાના ભૂલકાથી લઈને યુવાનો સુધીના તમામ લોકોને જીવનમાં વાંચનનું કેટલું મહત્વ છે તે સમજાવવાનો પણ પ્રયાસ કરે છે ઉકાબાપાની પ્રેરણાથી ગીર સોમનાથ જિલ્લાની સોનારી પ્રાથમિક શાળામાં આજે ઘણા વર્ષોથી વાંચનવીર સ્પર્ધા નું આયોજન થાય છે જેમાં વર્ષ દરમિયાન બાળકો જેટલું વધુ વાંચન કરે તે મુજબ તેને બિરદાવવામાં આવે છે ત્યારે અહીં ચોથા ધોરણના ભણતા બાળકે 10,000 પેઇઝ વાંચી સ્પર્ધામાં વિજેતા પણ બન્યા છે. ત્યારે આ વિસ્તાર ના બાળકો,યુવાનો અને ઘણાં શિક્ષકો માટે ઉકાબાપા આદર્શ બન્યા છે.કોઈપણ ઉંમરના વાચકની વાંચન ભૂખ તેઓ સંતોષે છે. ઉકાબાપા આજે આ વિસ્તાર ના લોકો માટે પુસ્તકોનું છલકતું સરોવર બની ચુક્યા છે.

આ વિસ્તારના અનેક બૌદ્ધિક લોકો પણ ઉકા બાપા ને વાંચનવીર તરીકે ઓળખે છે. આજે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે લોકો કહી રહ્યા છે કે ઉકા બાપા છે તે વાંચન બાબતે સમગ્ર વિશ્વ માટે એક પ્રેરણાદાઈ વ્યક્તિત્વ છે કારણકે હાલ વર્તમાન સમયમાં બાળકોથી લઇ અને વૃદ્ધો સુધી તમામ લોકો છે તેને મોબાઈલ ન ઘેલું લાગ્યું છે ત્યારે દરેક લોકોને વાસ્તવિક પરિસ્થિતિ સમજાવી મોબાઈલ નો જરૂરી ઉપયોગ કરી અને વાંચનમાં સમય ફાળવી જીવનને અમૂલ્ય કેમ બનાવો તેવા સતત પ્રયત્નો ઉકાબાપા દ્વારા કરવામાં આવે છે જેના કારણે આ વિસ્તારના ઘણા બધા બૌદ્ધિક લોકો પણ ઉકાબાપાના વાંચન આ અનોખા વાંચન પ્રેમ માંથી પ્રેરણા લઈ પુસ્તકો વાંચવા તરફ પ્રેરાયા છે.

અહેવાલ :- મૌલિક ઝણકાટ