ગીર સોમનાથ જિલ્લામાં બકરી ઈદને લઈ કડક જાહેરનામું: જાનવરના માંસ, હાડકા અને અવશેષો જાહેરમાં ફેંકવા પર પ્રતિબંધ

ગીર સોમનાથ, તા. 16 મે:
આગામી ૭ જૂન ૨૦૨૫ના રોજ મુસ્લિમ સમુદાય દ્વારા ધર્મિય તહેવાર બકરી ઈદ ધમધમથી ઉજવાશે. આ ધર્મીય ઉત્સવને સુમેળપૂર્વક અને કાયદા વ્યવસ્થાનું પાલન કરીને મનાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી રાજેશ આલ દ્વારા ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા મુજબ, તા. ૩ જૂન ૨૦૨૫થી તા. ૯ જૂન ૨૦૨૫ સુધી ગીર સોમનાથ જિલ્લાના તમામ વિસ્તારોમાં બકરી ઈદના તહેવાર દરમ્યાન કૂરબાની પછી જાનવરના માંસ, હાડકા અને અન્ય અવશેષો જાહેરમાં ફેંકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ નિયમનો ઉલ્લંઘન કરનારને ભારતીય દંડ સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ હેઠળ કડક શિસ્તનો સામનો કરવો પડશે.

આ બાબતે કોઈપણ પ્રકારની ફરિયાદ કરવા માટે પોલીસે હેડ કોન્સ્ટેબલ અને તેની ઉપરની કક્ષાના અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે, જેથી લોકોમાં વ્યવસ્થા અને સ્વચ્છતા જળવાઈ રહે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમગ્ર ગામડાઓ અને શહેરોમાં આ સૂચનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી રહી છે અને જનજાગૃતિ માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ નિર્ણય સાથે તહેવાર નિમિત્તે શાંતિ અને સુસંગત વાતાવરણ જળવાઈ રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ