ગીર સોમનાથ જિલ્લામાં હાઈ વેવ એલર્ટ, દરિયાની નજીક ન જવા તંત્રની ચેતવણી.

ગીર સોમનાથ જિલ્લાના દરિયાકિનારે ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઈન્ફોર્મેશન સર્વિસિસ (ઈનકોઈસ) દ્વારા હાઈ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ એલર્ટ મુજબ ૨૫ ઓગસ્ટ ૨૦૨૫ના રોજ દરિયાકિનારે ૩.૦ થી ૩.૫ મીટરની ઊંચાઈના મોજા ઉછળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

આ સંજોગોમાં દરિયાની નજીક જનારાઓ તથા દરિયો ખેડનારા માછીમારો માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે. ખાસ કરીને વેરાવળ, સૂત્રાપાડા, કોડીનાર અને ઉના તાલુકાના દરિયાકિનારા વિસ્તારના લોકોને દરિયા નજીક ન જવા અને દરિયો ખેડવાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આ સમયગાળા દરમિયાન જો કોઈ વ્યક્તિ દરિયાકિનારે જશે તો જીવલેણ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. માછીમારોને હુકમ આપવામાં આવ્યો છે કે તેઓ નૌકા સાથે દરિયો ખેડવા ન નીકળે.

તંત્ર દ્વારા કિનારાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે, જેથી લોકો દરિયાની નજીક ન જાય અને કોઈ અનિચ્છનીય પરિસ્થિતિ સર્જાય નહીં.

અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ-સોમનાથ