ગીર સોમનાથ જિલ્લાના જુદા-જુદા રીસોર્ટ અને ફાર્મ હાઉસ સંચાલકો પર SOG ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સંચાલકો પથીક સોફ્ટવેરમાં યાત્રીઓની ઓનલાઈન એન્ટ્રી કરતા નહોતા, જેના કારણે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી છે.
વિદેશી અને સ્થાનિક પ્રવાસીઓ મોટી સંખ્યામાં ગીર, સાસણ અને સોમનાથ ખાતે આવે છે. સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રીસોર્ટ અને હોટલ સંચાલકોને યાત્રાળુઓની તમામ વિગતો પથીક સોફ્ટવેરમાં એન્ટ્રી કરવાની ફરજ પાડવામાં આવી છે.
તાલાલા વિસ્તારમાં SOG પોલીસ ટીમ દ્વારા વિવિધ રીસોર્ટ અને ફાર્મ હાઉસની ચેકિંગ દરમિયાન નીચેના સંચાલકો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી:
- ગીર કુટીર ફાર્મ એન્ડ રીસોર્ટ (બોરવાવ)
- કૃષ્ણમ ફાર્મ હાઉસ (ભોજદે)
- સનરાઇઝ ફાર્મ હાઉસ (ભોજદે)
- શ્રીજી રીસોર્ટ ફાર્મ (ભોજદે)
- રાધે ફાર્મ હાઉસ (ભોજદે)
પોલીસની આ કાર્યવાહીથી હોટલ અને રીસોર્ટ સંચાલકો માટે કડક સંદેશો ગયો છે કે, પથીક સોફ્ટવેરમાં યાત્રાળુઓની એન્ટ્રી કરવી ફરજિયાત છે, અને નિયમો ઉલ્લંઘન કરનારાઓ સામે કડક પગલાં લેવામાં આવશે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ સોમનાથ.