ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના નાણોટા ખાતે સહકારીતા પરિવાર દ્વારા સ્નેહમિલનનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લાની અગ્રણી સહકારી બનાસ બેંકના નવનિયુક્ત ચેરમેન તથા વાઇસ ચેરમેનનો સત્કાર સમારંભ યોજાયો હતો.
આ સત્કાર સમારંભમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી વિશેષ ઉપસ્થિત રહીને નવનિયુક્ત ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલિયાતર અને વાઈસ ચેરમેનશ્રી કેશુભા પરમારને અભિનંદન પાઠવ્યા હતા. આ સ્નેહમિલન કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, સહકારી સંસ્થાઓ આગળ વધી શકે તે માટે આઝાદીના આટલા વર્ષો પછી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ અલગ સહકાર મંત્રાલય બનાવ્યું છે.
વડાપ્રધાનશ્રીએ છેવાડાના ગામડાના વ્યક્તિની ચિંતા કરીને સહકાર મંત્રાલય ઊભું કર્યું છે. ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લા માટે બજેટમાં ખાસ જોગવાઈઓ કરી છે. સૌને સાથે લઈને ચાલવાનો ભાવ અને પ્રજાના કલ્યાણ માટે તથા લોકોનું ભલું કરવા માટેનું માધ્યમ એ જ સહકારીતા છે. સહકાર થકી વધુમાં વધુ પ્રજાની સેવા કરી શકાય છે. સહકારીતા એ હોદ્દાનું નહીં પણ સેવા અને જવાબદારીનું માધ્યમ છે. તેમણે કહ્યું કે, બનાસકાંઠાના સહકાર વિભાગના આગેવાનો નિષ્ઠાથી પોતાની જવાબદારીઓ નિભાવે છે જેના થકી જ આજે જિલ્લામાં સહકારીતા વિભાગ મજબૂત બન્યું છે. અધ્યક્ષશ્રીએ જણાવ્યું કે, જિલ્લાના નાગરિકોને કેન્દ્રબિંદુમાં રાખીને તેમના વિકાસ માટે વિવિધ હિતલક્ષી નિર્ણયો લઈને કામ કરવું જોઈએ. સહકારી આગેવાન તરીકે હંમેશા પ્રજાના હિતમાં નિર્ણય લેવા જોઈએ.
પ્રજાના કલ્યાણ માટે હંમેશા પ્રમાણિકતા અને પુરુષાર્થ કરવો જોઈએ તેમ અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું.તેમણે સહકાર વિભાગને ટેકનોલોજી અને એ.આઈ.ના ફિલ્ડમા તથા ખેડૂતોને પોતાના પાકના વેલ્યુ એડીશન તરફ આગળ વધવા જણાવ્યું હતું. બનાસ ડેરી દ્વારા ગોબરનો ઉપયોગ કરીને ગેસ, ખાતર અને ખેડૂતોની આવક વધારવા તરફ કામ કર્યું છે. આગામી સમયમાં બનાસ ડેરી દ્વારા ગૌમૂત્રનું વેચાણ પણ કરવામાં આવશે.
તેમણે બનાસ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનને અભિનંદન પાઠવીને વધુમાં વધુ પ્રજાના કાર્યો કરવા જણાવ્યું હતું તથા બનાસ બેંકને નવીન દિશામાં લઈ જવા માટે નિયામક મંડળને સૂચન કર્યું હતું. આ સ્નેહમિલન કાર્યક્રમમાં રાધનપુરના ધારાસભ્યશ્રી લવિંગજી ઠાકોર, વાવ ધારાસભ્યશ્રી સ્વરૂપજી ઠાકોર, બનાસ બેંકના ચેરમેનશ્રી ડાહ્યાભાઈ પીલિયાતર, વાઇસ ચેરમેનશ્રી કેશુભા પરમાર, નિયામક મંડળના હોદ્દેદારો સહિત જિલ્લાના વિવિધ સહકારી વિભાગના આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ :- ઉમેશ ઠાકોર (બનાસકાંઠા)