ગુજરાત સરકારના ૧૧ કરોડના અનુદાન સહિત કુલ રૂ. ૩૫ કરોડના ખર્ચે નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરતા કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ

જૂનાગઢ

રાજ્યના કૃષિ અને પશુપાલન તથા જૂનાગઢ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જીલ્લા સહકારી બેંકની ૬૫મી અને શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘની ૧૫મી સાધારણ સભા યોજાઈ હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ ગુજરાત સરકારના રૂ. ૧૧ કરોડના અનુદાન સહિત કુલ રૂ. ૩૫ કરોડના ખર્ચે ખોખરડા ગામ નજીક નિર્મિત થનાર પનીર પ્લાન્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે આયોજિત આ વાર્ષિક સાધારણ સભાઓ પૂર્વે પ્રાકૃતિક કૃષિ શિબિર પણ યોજાઈ હતી.

આ પ્રસંગે મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે સંબોધતા જણાવ્યું કે, ખેતીની સાથે પશુપાલન વ્યવસાય અપનાવવામાં આવે તો ખેડૂતોને એક નિશ્ચિત અને સ્થિર આવક પ્રાપ્ત થઈ શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહિતના પ્રદેશોમાં પશુપાલનના વ્યવસાયથી લોકો સમૃદ્ધિ તરફ વળ્યા છે. મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લા સહકારી બેંકના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલ અને સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાને સફળતાપૂર્વક ખેડૂત અને પશુપાલનલક્ષી આ સંસ્થાઓના સંચાલન માટે અભિનંદન આપ્યા હતા.

તેમણે કહ્યું કે, રૂ. ૧૨૦૦ કરોડની ડિપોઝિટ અને રૂપિયા ૧૪ કરોડથી વધુનો નફો કરનાર જેડીસીસી બેંક માધ્યમથી ખેડૂતોના કલ્યાણનું કામ થઈ રહ્યું છે. ઉપરાંત સહકારી મંડળીઓમાં ગેરરીતિ આચરનાર સામે પણ કડક પગલાં લેવામાં આવ્યા છે. તેનો પણ મંત્રીશ્રીએ ઉલ્લેખ કર્યો હતો.

પ્રાકૃતિક કૃષિ તરફ વળવાની હિમાયત કરતા મંત્રીશ્રીએ જણાવ્યું કે, રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટી છે. ત્યારે જમીનની ગુણવત્તા, આરોગ્યના રક્ષણ અને પર્યાવરણના જાળવણી માટે પ્રાકૃતિક ખેતી અપનાવવી આવશ્યકતા છે. પ્રાકૃતિક ખેતીની મુહીમ તેજીથી આગળ વધે તે માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ સન્માનિત થનાર શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મંડળીઓ અને પ્રગતિશીલ ખેડૂતોને અભિનંદન પણ પાઠવ્યા હતા.આ પ્રસંગે જેતપુરના ધારાસભ્ય અને રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન શ્રી જયેશભાઈ રાદડિયાએ જણાવ્યું કે, સહકારી ક્ષેત્રમાં સભાસદોનો ભરોસો હાંસલ કરવો અને તેને મજબૂત કરવો ખૂબ આવશ્યક છે, તે જેડીસીસી બેંકના ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે ચરિતાર્થ કર્યું છે, એક સમયે મુશ્કેલીઓના સામનો કરતી જેડીસીસી બેંક પ્રગતિના માર્ગે અગ્રેસર બની છે. ખેડૂતોના હિતને સાચવીને ગેરરીતી આચરનાર સામે પણ કડક પગલાં ભરી, ખેડૂતોના હિતનું રક્ષણ સાથે પરિણામ લક્ષી કામગીરી કરવામાં આવી છે. તેમણે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં સહકારથી સમૃદ્ધિ તરફ આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું.

આ પ્રસંગે જેડીસીસી બેંકના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલે જેડીસીસી બેંકના વાર્ષિક હિસાબોનો ચિતાર આપતા જણાવ્યું કે, જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાના ૬૦,૦૦૦થી વધુ ખેડૂતો સાથે જોડાયેલી જેડીસીસી બેંક આજે ૧૨૦૦ કરોડની થાપણ સાથે ૪૭ શાખાઓ કાર્યરત છે. ૩૫ કરોડથી વધુના ગ્રોસ અને ૧૪ કરોડથી વધુના ચોખા નફા સાથે પારદર્શક વહીવટ કરવામાં આવી રહ્યો છે. સોરઠ વિસ્તારના ખેડૂતો હિત તથા મદદના લક્ષ્ય સાથે ખેડૂતોની આવક બમણી કરવા માટે સમર્પિત ભાવ સાથે કામ કરવામાં આવી રહ્યું છે. તેમણે બેંકના કર્મચારીઓને તાલીમ અને સહકારી મંડળીઓના આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિચારોથી પ્રેરણા પ્રાપ્ત કરી સતત જનહિતના કાર્યો કરતા રહેવાનો સંકલ્પ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.

આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન શ્રી દિનેશભાઈ ખટારીયાએ શાબ્દિક સ્વાગત સાથે શ્રી સાવજ જૂનાગઢ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘના વાર્ષિક હિસાબો રજૂ કરતા જણાવ્યું કે, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં ૫૯૫ દૂધ મંડળીઓ કાર્યરત છે, પશુપાલકોને પૂરતા દુધના ભાવ મળી રહે ઉપરાંત ઘાસચારા ઉત્તમ બિયારણ, સહિતની સહાય પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે દૂધ મંડળીઓને આપનાર પ્રોત્સાહક રાશિનો ઉલ્લેખ કરતા પનીર પ્લાન્ટના નિર્માણ માટે રૂ. ૧૧ કરોડના અનુદાન માટે ગુજરાત સરકાર અને કૃષિ મંત્રીશ્રીનો આભાર પ્રગટ કર્યો હતો.

આ પ્રસંગે જેડીડીસી બેંકના સિનિયર ડાયરેક્ટર અને પૂર્વ મંત્રી શ્રી જશાભાઇ બારડે જેડીસીસી બેંકની પ્રગતિ અને પારદર્શક વહીવટની વિગતો આપી હતી. ઉપરાંત જેડીબેસી બેંક વર્ષ ૨૦૧૨માં મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી, ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ નાણાકીય સહાય કરી હતી. તેનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કાર્યક્રમના અંતે જેડીસીસી બેંકના વાઇસ ચેરમેન શ્રી મનુભાઈ ખુટીએ આભાર વિધિ કરી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે શ્રેષ્ઠ દૂધ ઉત્પાદક મંડળીઓ પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરવા ઉપરાંત પ્રગતિશીલ મહિલા ખેડૂતોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. સહકારી મંડળીઓના સંચાલકોને માઈક્રો એટીએમનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આકસ્મિક રીતે મૃત્યુ પામનાર ખેડૂતોના વારસદારોને જે ડીસીસી બેંક દ્વારા રૂ. ૧ લાખના ચેક અર્પણ કરવામાં આવ્યું હતો.

આ કાર્યક્રમમાં જેડીસીસી બેંક અને સાવજ ડેરીની સાધારણ સભા શરૂ થયા પૂર્વે કૃષિ નિષ્ણાંતો દ્વારા પ્રાકૃતિક કૃષિ સંદર્ભે ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુંમર, ધારાસભ્ય સર્વશ્રી દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, અરવિંદભાઈ લાડાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પરમાર, અગ્રણી સર્વશ્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત સહકારી સંસ્થાઓના ડાયરેક્ટરશ્રીઓ, સભાસદો, પ્રમુખ, મંત્રીઓ અને ખેડૂત ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)