ગુજરાતમાં રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નવી ગતિ આપવા માટે રેલ મંત્રાલયે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનના રાણાવાવ ખાતે वંદે भारत ટ્રેનો માટે ખાસ ₹135.5834 કરોડના અંદાજિત ખર્ચે નવા ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો (ICD) નિર્માણ માટે મંજૂરી આપવામાં આવશે.
આ નવા ડિપોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વંદે ભારત તેમજ અન્ય પ્રકારની ટ્રેનો માટે જાળવણી સુવિધાઓને આધુનિક બનાવવી અને પોરબંદરથી રાણાવાવ સુધી જાળવણી કાર્યોનું સ્થાનાંતરણ કરીને કામગીરી વધુ કાર્યક્ષમ બનાવવી.
રાણાવાવ ખાતે પૂરતું જગ્યા ઉપલબ્ધ હોવાથી એકીકૃત અને આધુનિક સુવિધાઓથી સજ્જ ડિપો બનાવવાનો માર્ગ ખુલ્યો છે. આ ડિપોમાં 650 મીટરની બે પિટ લાઇનો બનાવાશે જેમાં છતયુક્ત શેડ હશે. તે ઉપરાંત 650 મીટરની એક વોશિંગ લાઇન પણ હશે. ટ્રેનોમાં કોઈ જજમાની સર્જાય ત્યારે તેને યોગ્ય રીતે સુધારવા માટે 222 મીટર x 50 મીટરનો શેડ ધરાવતી “સિક લાઇન” તૈયાર કરવામાં આવશે.
આ સાથે 650 મીટરની સ્ટેબલિંગ લાઇન પણ બનાવાશે જેમાં બે 15 ટનની EOT ક્રેન લગાવવામાં આવશે. અહીં 200 વર્ગ મીટરનું એડમિનિસ્ટ્રેટિવ બિલ્ડિંગ પણ હશે જેમાં વીજળી અને પ્રકાશની સમગ્ર વ્યવસ્થા સુસજ્જ રીતે રહેશે. ઉપરાંત TRD, S&T જેવી તમામ ટેક્નિકલ જરૂરીયાતોને પહોંચી વળતી વ્યવસ્થાઓ પણ ડિપો પ્રોજેક્ટમાં શામેલ છે.
આ વિકાસના પરિણામે ઓપરેશનલ કાર્યક્ષમતા વધશે, ટ્રેનોના જાળવણી સમયની બચત થશે અને મુસાફરોને વધુ ભરોસાપાત્ર અને ઝડપભરી સેવાઓ મળી શકશે.
આ પહેલ માત્ર રેલવેના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ સુધી સીમિત નહીં રહી, પરંતુ ગુજરાત માટે આધુનિકતા તરફનો વધુ એક મજબૂત પગથિયો સાબિત થશે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ