ગેરકાયદેસર રીતે રહેતી બાંગલાદેશી મહિલા જેતપુરમાંથી સિટી પોલીસના હાથે ઝડપાઈ


કાશ્મીરના પહેલગામ ખાતે niedાતા તાજેતરના આતંકી હુમલા બાદ રાજ્યમાં સજાગ થયેલી સુરક્ષા એજન્સીઓ દ્વારા ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગલાદેશી નાગરિકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. તે અનુસંધાને, જેતપુર શહેર પોલીસ દ્વારા છેલ્લા ત્રણ દિવસ દરમિયાન ખાસ ચેકિંગ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવેલા ચેકિંગ દરમિયાન 52 જેટલા બંગાળી નાગરિકોની તપાસ કરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન શહેરના ગુજરાતી વાડી વિસ્તારમાંથી એક બાંગલાદેશી મહિલા ઝડપાઈ છે.

રૂકસાના નામની આ મહિલાની અટકાયત બાદ પોલીસે પૂછપરછ હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે રૂકસાના મહેમદ સદરુદિન ગુલામમિયાન, રહે. મોહલ્લા હરીશંકરપુર, થાણા જિનાદેહ, બાંગ્લાદેશની રહેવાસી છે. તેણી પાસે ભારત આવવા માટે કોઈ વિઝા કે સરકારી મંજૂરીના દસ્તાવેજો ન હતા. ફક્ત બાંગ્લાદેશનું ચૂંટણી કાર્ડ જ મળ્યું છે.

જેતપુર સિટી પોલીસે મહિલાને હાલ નજરકેદમાં રાખી આગળની તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે રૂકસાના જેતપુર સુધી કેવી રીતે પહોંચી અને કોની મદદથી ત્યાં વસવાટ કરી રહી હતી.

પોલીસની કામગીરીથી સ્થાનિક વિસ્તારમાં ચકચાર ફેલાઈ છે અને લોકોમાં સુરક્ષાની લાગણી વધતી થઈ છે.