
ગોંડલ: ચકચારી અમિત ખૂંટ આત્મહત્યા પ્રકરણમાં એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની ધરપકડ કરવામાં આવતા ગોંડલ બાર એસોસિએશન દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. એસોસિએશનના પ્રમુખે જણાવ્યુ કે, વકીલ કોઈ પણ અસીલને કાનૂની સલાહ આપે અને માર્ગદર્શન આપે એ ગુનો નથી. માત્ર સલાહના આધારે વકીલની ધરપકડ કરવામાં આવવી અન્યાયી છે અને કાયદાની દૃષ્ટિએ તે દુર્લક્ષ્યપાત્ર છે.
આ કેસમાં એવા દાવાઓ થઈ રહ્યા છે કે, અમિત ખૂંટ પર થયેલી બળાત્કાર અને પોક્સો હેઠળની ફરિયાદ એડવોકેટ્સની સલાહથી કરવામાં આવી હતી. પરંતુ વકીલ મંડળે સ્પષ્ટ કર્યો છે કે એડવોકેટ્સની ભૂમિકા માત્ર કાનૂની માર્ગદર્શન સુધી સીમિત હતી અને તેમના પર આરોપ મૂકવો તથા તેમની ધરપકડ કરવી અયોગ્ય છે.
બાર એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા આવેદનમાં સરકાર અને તંત્રને આ મુદ્દે યોગ્ય પગલાં લેવા તથા ધરપકડ કરાયેલ વકીલોને ન્યાય અપાવવાની માંગ કરી છે.