રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરમાં દુખદ ઘટના સામે આવી છે. ગરબી ચોક વિસ્તારમાં એક જૂનું મકાન રિનોવેશન કામગીરી દરમિયાન અચાનક ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટનામાં ત્રણ લોકો કાટમાળ નીચે ફસાઈ ગયા છે, જેમાં એક પુરૂષ અને બે મહિલાઓનો સમાવેશ થાય છે.
સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ફાયર વિભાગની ટીમ જે.સી.બી. મશીનની મદદથી કાટમાળ ખસેડી બચાવ કાર્ય કરી રહી છે. અત્યાર સુધીમાં એક વૃદ્ધ મહિલાને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે, જ્યારે એક પુરુષ અને એક મહિલા હજી કાટમાળ હેઠળ ફસાયેલા છે.
આ દુર્ઘટનાને લઈ સ્થાનિક વાસીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. રિનોવેશન કામગીરી દરમિયાન સુરક્ષા માપદંડોનું પાલન કરવું કેટલી જરૂરી છે તે વાત ફરી એકવાર સામે આવી છે. ઘટનાને લઈને સ્થાનિક પ્રશાસન પણ સતર્ક થયું છે અને બચાવ કામગીરી પર નજર રાખી રહ્યું છે.
અહેવાલ: ગુજરાત ન્યૂઝ ડેસ્ક