ચાંદીપુરા વાયરસ અટકાયતી પગલાંના ભાગરુપે  જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા જૂનાગઢ જિલ્લામાં ૨૪,૮૧૫ ઘરોનો સર્વે કરવામાં આવ્યો.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય શાખાની ટીમ દ્વારા સર્વે કામગીરી હાથ ધરવામાં આવી છે. ચાંદીપુરા રોગ અન્વયે અટકાયતી પગલાંના ભાગરુપે જૂનાગઢ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ૨૬૪ જેટલી આરોગ્ય ટીમ દ્વારા આજરોજ અંદાજે ૨૪,૮૧૫ ઘરોનો સર્વે કરવામાં આવ્યો છે. હજુ પણ આ સર્વેની પ્રક્રિયા શરુ છે. આ સર્વેની કામગીરી દરમિયાન તમામ તાલુકાઓના ગામોને આવરી લેવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા મળેલી વિગતો પ્રમાણે, ચાંદીપુરા વાયરસથી સંક્રમિત એક પણ કેસ જૂનાગઢ જિલ્લામાં નોંધાયો નથી. જૂનાગઢ જિલ્લામાં ૨૬૪માં સમાવિષ્ટ ૫૨૮ આરોગ્ય કર્મચારીઓ અને ૧,૦૧૨ આશા વર્કર દ્વારા હાઉસ ટુ હાઉસ સર્વેમાં તપાસ માટેની કામગીરી કરવામાં આવી રહી છે. સખત તાવ, ઝાડા-ઉલટી, સ્નાયુના દુ:ખાવા વગેરે લક્ષણો ધરાવતા નાગરિકોની સઘન તપાસ આ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં ૧૪ વર્ષ સુધીની વય ધરાવતા ૧,૬૯,૩૦૩ જેટલા બાળકો છે.
જૂનાગઢ જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં આજરોજ ૧૨,૩૦૦ બાળકોની તપાસ કરવામાં આવી છે. ચાંદીપુરા વાયરસ અંતર્ગત આરોગ્ય શાખા દ્વારા આજ દિવસ સુધીમાં ૪૮,૨૧૬ બાળકોની તપાસ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં શંકાસ્પદ એકપણ કેસ મળ્યો નથી. આરોગ્ય શાખા દ્વારા ઘરે-ઘરે જઈ, ચાંદીપુરા વાયરસ અંગેની વિગતો, નિયંત્રણ અને અટકાયતના પગલાં વિશેનું માર્ગદર્શન આપવામાં આવે છે. ચાંદીપુરા વાયરસના કોઈપણ લક્ષણો જણાય તો તુરંત જ નજીકના સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા જણાવવામાં આવ્યું છે. કાચા ઘરો કે જે માટીના લીંપણ વાળા ઘરો છે ત્યાં આગામી દિવસોમાં મેલેથીયોન ડસ્ટિંગ કરવાનું આયોજન જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના ખાનગી કે સરકારી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો હાલ કોઈપણ શંકાસ્પદ કેસ જણાય તો આરોગ્ય અધિકારી શ્રી મારફતે જિલ્લા કક્ષાએ જાણ કરવામાં આવશે, તેવી સૂચના આપવામાં આવી છે. જૂનાગઢ જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ માટે અલગથી વોર્ડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)