સુરતઃ
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સેબી સાથે કોમ્પ્લાયન્સ વિષય પર સેશન યોજાયું હતું, જેમાં વક્તા તરીકે એસકેએસ કોમ્પ્લાયન્સ એડવાઈઝરના સંસ્થાપક સૌરભ શાહ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બિરજુ મોરખિયા તથા કન્સલ્ટન્ટ દેવેશ શાહે સ્ટોકબ્રોકર્સ અને એપી (ઓથોરાઈઝ્ડ પર્સન)ને સેબીના નિયમોમાં આવતાં ફેરબદલ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વિજય મેવાવાલાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘સેબી ભારતના સિકયુરિટી માર્કેટ, ટ્રાન્સપરન્સી અને રોકાણકારોની સુરક્ષાને સુનિશ્ચિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. સબ–બ્રોકર્સ તરીકે, સેબીના નિયમો માત્ર બિઝનેસ માટે જ નહીં, પરંતુ સમગ્ર બજારની વિશ્વસનીયતા માટે મહત્વના છે. જો કે, ટ્રેડિંગમાં ટેકનોલોજીને ઝડપથી અપનાવવાથી સાયબર સુરક્ષા, ડિજિટલ પ્લેટફોર્મ અને ડેટા અંગેની ગોપનીયતા જેવા પડકારો પણ ઉભા થયા છે, ત્યારે સેબી ડેટા સિકયુરિટી, સસ્ટેનેબિલિટી તથા એન્વાયરમેન્ટલ સોશિયલ ગવર્નન્સ કોમ્પ્લાયન્સની ફાયનાન્શીયલ માર્કેટની સાથે ગતિ જાળવી રાખવા સતત ડેવલપમેન્ટ કરી રહી છે, આથી સેબીના નિયમોનું પાલન એ માત્ર રેગ્યુલેટરી ફોર્માલિટી નથી પણ ફાયનાન્શીયલ માર્કેટમાં ટ્રાન્સપરન્સી અને ક્રેડિબિલિટી જાળવી રાખવાનો એક માર્ગ છે.’
દેવેશ શાહે રોકાણકારોને ફિઝીકલ શેરને ડિમેટ કેવી રીતે કરવા તે અંગે સમજ આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ફિઝીકલ શેરમાં ઈક્વિટી, NCD, પાર્ટી પેડ અપ, PCD, બોન્ડ અને મ્યુચુઅલ ફંડ સર્ટિનો સમાવેશ થાય છે. ફિઝીકલ શેરને ડિમેટમાં કરવામાં આવતી સમસ્યાઓમાં મુખ્યત્વે સિંગલ નામ, એકાઉન્ટ બે અથવા ત્રણ નામો સાથે જોઈન્ટ હોવું, એક કરતાં વધુ સર્ટિફિકેટ અલગ-અલગ નામથી હોવા, જોઈન્ટ હોલ્ડિંગમાં એક હોલ્ડરનું એક્સ્પાયર થવું, હોલ્ડરનું મૃત્યુ થવું વગેરેનો સમાવેશ થાય છે.
અહેવાલ :- અશ્વિન પાંડે (સુરત)