ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ ગંભીર ગુના જેમાં છેતરપીંડી તથા ખોટા દસ્તાવેજો બનાવવાના આરોપ હેઠળ લિસ્ટેડ થયેલ અને લાંબા સમયથી પકડ બહાર રહેલા આરોપીને ભાવનગર એસ.ઓ.જી. દ્વારા અસરકારક કાર્યવાહીની અંદર ઝડપી પાડવામાં આવ્યો છે.
ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર તથા જિલ્લા પોલીસ વડા ડૉ. હર્ષદ પટેલ દ્વારા ભાવનગર શહેર તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં નાસતા ફરતા આરોપીઓ સામે તાકીદે કાર્યવાહી કરવા અને બનાવટી દસ્તાવેજો બનાવી છેતરપીંડી કરનારા શખ્સોને કાયદાના જાળમાં લાવવાની ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી.
આના અનુસંધાને એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.યુ. સુનેસરા તથા પો.ઇન્સ્પેક્ટર જે.ડી. બારોટના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી.ના ટીમના અધિકારીઓ શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગમાં હતા. દરમિયાન બાતમીદારે ખાસ જાણકારી આપી કે, પ્રેસ ક્વાર્ટરના બસ સ્ટેન્ડ નજીક બોરતળાવ પો.સ્ટે.ના ગુના સંદર્ભે નાસતો ફરતો આરોપી હાજર છે.
મિલેલી ચોક્કસ બાતમીના આધારે તુરંત કાર્યરત રહેલી એસ.ઓ.જી.ની ટીમે સ્થળ ઉપર પહોંચી, જાળ બિછાવી આરોપીને ઝડપી લીધો હતો. ધરપકડ કરાયેલા આરોપીનું નામ મહેન્દ્રસિંહ ભુરૂભા ગોહિલ (ઉંમર ૫૧, નિવાસી પીપરાળી ગામ, તાલુકો ઉમરાળા, જીલ્લો ભાવનગર) છે.
આ આરોપી વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૧૯૮૦૧૫૨૪૦૩૭૯/૨૦૨૪ મુજબ ભારતીય દંડ સંહિતા કલમ ૪૨૦ (છેતરપીંડી), ૪૬૪ (ખોટી દસ્તાવેજ બનાવવી), ૪૬૭ (ગંભીર ખોટા દસ્તાવેજો બનાવવાની કલમ) તથા અન્ય સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીને કાયદેસરની કાર્યવાહી બાદ વધુ તપાસ માટે બોરતળાવ પોલીસ સ્ટેશનના હવાલે કરવામાં આવ્યો છે.
આ કામગીરીમાં એસ.ઓ.જી.ના આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વિઠ્ઠલભાઇ ચૌહાણ, ગુલમહંમદભાઇ કોઠારીયા, તથા કોન્સ્ટેબલ પાર્થભાઇ પટેલ, મીનાજભાઇ ગોરી, ધર્મદીપસિંહ જાડેજા તથા હરપાલસિંહ ગોહિલે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
પોલીસની સતત જાગૃત કામગીરી અને મળેલી બાતમીઓના આધારે એસ.ઓ.જી. દ્વારા આવા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી સમાજમાં કાયદાનો ભય જળવાઈ રહે એ માટે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે.
અહેવાલ : સતાર મેતર ભાવનગર