ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે ફરી એક વખત કાયદાની દૃઢતાનો પ્રતિક આપી નાસતો ફરતો આરોપી ઝડપી પાડી છે. આરોપી અલ્પેશ ઉર્ફે જાડીયો જરીવાલા સામે માત્ર ભાવનગર જ નહીં, પણ સુરત, અમરેલી, મહિસાગર, નવસારી અને તાપી સહિતના જિલ્લાઓમાં અનેક ગંભીર ગુનાઓમાં કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.
આરોપી સામે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૬૬૫/૨૦૨૪ હેઠળ ભારતીય દંડ સંહિતાની કલમો ૪૦૬ (વિશ્વાસઘાત), ૪૨૦ (છેતરપીંડી) અને ૧૧૪ (સહાયતા કરવી) હેઠળ ગુનો નોંધાયેલો છે. આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો અને તેની વિરુદ્ધ વિવિધ જિલ્લામાં એક પછી એક પ્રોહિબીશન, બનાવટી દસ્તાવેજો બનાવવાનો તથા છેતરપીંડી જેવા અનેક ગુનાઓ નોંધાયેલા છે.
અલ્પેશ જરીવાલાને પકડવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના નવાપુરા વિસ્તારમાં મહિધરપુરા પાસે લીંબડી શેરી નંબર-૦૧ નજીક રેઇડ કરી હતી. જ્યાંથી આરોપી હાજર મળી આવતાં તેને ઝડપી પાડી ભાવનગર લાવવામાં આવ્યો હતો અને બોરતળાવ પોલીસ સ્ટેશનના હવાલે કાયદેસર રીતે સોંપવામાં આવ્યો છે.
આરોપી પર અત્યાર સુધીમાં કુલ 14થી વધુ જુદા-જુદા પોલીસ સ્ટેશનોમાં ગુનાઓ નોંધાયેલા છે, જેમાં મુખ્યત્વે છેતરપીંડી, ખોટા દસ્તાવેજો બનાવવું, પ્રોહિબીશન એક્ટ, આર્મ્સ એક્ટ તથા ભાદંસની ગંભીર કલમો લાગુ પડી છે.
આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ વનરાજભાઈ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, બ્રિજરાજસિંહ ગોહિલ, પ્રજ્ઞેશભાઇ પંડ્યા અને હરિચંદસિંહ ભીમભાએ સફળતાપૂર્વક અંજામ આપી હતી.
અહેવાલ : સતાર મેતર, ભાવનગર