છેલ્લા આઠ માસથી ફરાર પાકા અને કાચા કામના કેદીઓને નેપાળના પોખરા ખાતેથી ઝડપી લાવતી ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડની મોટી સફળતા.

ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડે મોટી કાર્યવાહી હાથ ધરી છે. છેલ્લા આઠ માસથી વચગાળાના જામીન રજા ઉપરથી ફરાર થયેલા બે કેદીઓને નેપાળના પોખરા શહેરમાંથી ઝડપી લાવવામાં આવ્યા છે.

પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ તથા પોલીસ અધિક્ષક ડો. હર્ષદ પટેલ સાહેબના નિર્દેશન અનુસાર ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના ઇન્સ્પેક્ટર પી.બી. જેબલિયા તથા તેમની ટીમ સતત નાસતા ફરતા આરોપીઓ, પેરોલ ફર્લો જમ્પ કરનાર કેદીઓ તથા વચગાળાની રજા ઉપરથી હાજર ન થયેલા કેદીઓને પકડી પાડવા માટે કાર્યરત હતાં.

ત્યારે ટીમને બાતમી મળી હતી કે મહુવા પોલીસ સ્ટેશનમાં 2017માં નોંધાયેલા બળાત્કારના ગુનામાં સજા ભોગવી રહેલ પાકા કામના કેદી જાહીર અબ્બાસ અલી રાજાણી (ઉંમર 44, રહેવાસી વોરાવાડ, હુસેની ચોક, મહુવા, જી.ભાવનગર) તથા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુજસીટોકના ગુનામાં કાચા કામના કેદી કાશીમ શૌકતઅલી ગોવાણી (ઉંમર 22, રહેવાસી ખોજાવાડનો ડેલો, આંબાચોક, ભાવનગર) જામીન પર છુટ્યા બાદ હાજર ન રહી ફરાર થઇ ગયા હતા.

આરોપીઓ હાલ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં છુપાયા હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ વધુ તપાસ કરતા તેઓ નેપાળના પોખરા શહેર ભાગી ગયાનું બહાર આવ્યું. જેના આધારે પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તાત્કાલિક નેપાળ પહોંચી સ્થાનિક પોલીસની મદદથી બંને ફરાર કેદીઓને ઝડપી પાડ્યા.

બંને આરોપીઓને ભાવનગર લાવી જરૂરી પૂછપરછ બાદ રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે.


કામગીરી કરનાર ટીમ

  • પોલીસ ઇન્સ્પેક્ટર પી.બી. જેબલિયા

  • દીપશંગભાઈ ભંડારી

  • સોહીલભાઈ ચોકીયા

  • હસમુખભાઈ પરમાર

  • હરપાલસિંહ ગોહીલ


📌 અહેવાલ : સતાર મેતર, ભાવનગર