જામનગર
જામજોધપુર પંથકમાં બુધવારે પડેલા વરસાદના કારણે બમથીયા ગામમાં કરુણા જનક કિસ્સો બન્યો છે, અને વરસાદી વીજળીના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો છે. જેની સાથે 20થી વધુ ઘેટા બકરાના પણ મોત થયા છે.
જામજોધપુર તાલુકાના બમથીયા ગામમાં રહેતો ગોગનભાઈ બુધાભાઈ નામનો ૨૫ વર્ષનો ભરવાડ યુવાન, કે જે બુધવારે બપોરના સમયે બમથીયા ગામની સીમ વિસ્તારમાં ઘેટાં બકરા ચરાવવા માટે ગયો હતો.જે દરમિયાન આકાશમાં એકાએક કડાકા ભડાકા સાથે વીજળી અને વરસાદ શરૂ થયો હતો. જેમાં વરસાદી વિજળી પડવાના કારણે ઘેટા બકરા ચરાવી રહેલા ગોગનભાઈ બુધાભાઈ નામનો ભરવાડ યુવાન પર વીજળી પડતા બનાવના સ્થળે જ કરુણ મૃત્યુ નીપજ્યું હતું.
આ ઉપરાંત તેની સાથે રહેલા 20થી વધુ ઘેટા બકરા કે જેના પણ આકાશી વીજળીને કારણે મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવને લઈને ભરવાડ પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી.
જામજોધપુરના મામલતદારની ટીમ તેમજ જામજોધપુરનો પોલીસ કાફલો વગેરે ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર બનાવ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવવા આવી રહી છે.
અહેવાલ :- સલમાન ખાન (જામનગર)