જામનગર શહેરના ઓશવાળ હોસ્પિટલના સેલર પાર્કિંગમાં ગેરકાયદે ખડકી દેવાયેલ કેન્ટીન-મેડિકલ સ્ટોર્સને તંત્ર દ્વારા સિલ કરાઈ.

જામનગર

જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલ ઓશવાળ હોસ્પિટલના સેલર પાર્કિંગની જગ્યામાં અનઅધિકૃત રીતે ઉભું કરવામાં આવેલ મેડીકલ સ્ટોર્સ, કેન્ટીન મનપાએ સીલ કર્યું છે. સેલર પાર્કિંગની જગ્યામાં કોર્મશિયલ બાંધકામ સબબ અગાઉ મનપાએ નોટીસ ફટકારી હતી. ત્યારબાદ જરૂરી પરવાનગીઓ, ફાયર સેફટી સહિતની વગર મંજૂરીઓને ધ્યાને લઇ આખરે સિલિંગની કાર્યવાહી કરાતા હોસ્પિટલ વર્તુળમાં દોડધામ મચી હતી.

જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી ઓશવાળ હોસ્પિટલમાં પાર્કિંગની જગ્યામાં મેડિકલ સ્ટોર્સ, રેસ્ટોરન્ટ ( કેન્ટીન )બનાવી નાખવામાં આવતા સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિજનોને ફરજીયાત પોતાના વાહનો બહાર જાહેર રોડ ઉપર પાર્ક કરવાની ફરજ પડતી હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાઈ હતી. જે સમગ્ર મામલો મહાનગરપાલિકાના તંત્રને ધ્યાને આવતા મનપાની TPO શાખા, એસ્ટેટ વિભાગ અને ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું હતું. અને હોસ્પિટલના સેલર પાર્કિંગમાં ગેરકાયદે મેડિકલ સ્ટોર્સ, કેન્ટીન ખડકી દેવામાં આવી હોવાનું તંત્રને ધ્યાને આવ્યું હતું. આથી મહાનગરપાલિકા દ્વારા ઓશવાળ હોસ્પિટલના સેલર પાર્કિંગમાં બનાવેલા મેડીકલ સ્ટોર, કેન્ટીનને ફાયર સેફટી, BU મંજૂરી સહિતની જરૂરી પરવાનગીઓને ધ્યાને લઇ સીલ મારી સાત દિવસમાં દબાણ દૂર કરી નાખવા નોટીસ ફટકારી છે

જો સાત દિવસમાં દબાણ જાતે દૂર કરવામાં નહીં આવે તો મહાનગરપાલિકા દ્વારા પાર્કિંગમાં ખડકી દેવાયેલ ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવશે. તંત્રની કડક કાર્યવાહીને પગલે હોસ્પિટલ વર્તુળમાં ભારે દોડધામ મચી હતી

અહેવાલ :- સલમાન ખાન (જામનગર)