જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે મીટીંગ યોજાઈ.

પાલનપુર

લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગે એ માટે બનાસકાંઠા જિલ્લામાં ૮ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા સપ્તાહ ઉજવવાનું આયોજન કરાયુ છે. જેના ભાગરૂપે આગામી ૧૦ મી ઓગસ્ટના રોજ તિરંગા યાત્રાના આયોજન અન્વયે જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે એક મીટીંગ યોજાઈ હતી.

જેમાં કલેકટર વરુણ કુમાર બરનવાલે હરઘર તિરંગા અભિયાનને વેગવંતુ બનાવવા અને તિરંગાના સન્માનમાં દરેક નાગરિક સહભાગી બને એવું આયોજન કરવા પર ભાર મૂક્યો હતો. જિલ્લાની છ નગરપાલિકાઓ સહિત સરહદી વિસ્તાર, આદિવાસી વિસ્તાર અને જિલ્લાના આયકોનીક સ્થળોએ પણ ‘હરઘર તિરંગા’ અભિયાનની ઉજવણીમાં જિલ્લાની તમામ સરકારી-ખાનગી મિલકતો, વ્યાપારી સંકુલો, શાળાઓ, ઘરો પર તિરંગો લહેરાવા અને આ અવસરમાં સૌ નાગરિકો, અધિકારીઓ અને કર્મચારીઓ સહિત લોકોને સહભાગી થવા અનુરોધ કર્યો હતો.તેમજ સોશિયલ મીડિયા પર હર ઘર તિરંગા અભિયાનના પ્રસાર પ્રચાર પર ભાર મૂક્યો હતો. તેમજ તેના સુચારુ આયોજન સંબધિત વ્યવસ્થાઓ અંગે માર્ગદર્શન અને સૂચનાઓ અંતર્ગત વિડિયો કોન્ફરન્સ યોજી હતી.

તિરંગાના સન્માનમાં દરેક નાગરિકને સહભાગી બનવા અનુરોધ કરતા જિલ્લા કલેકટર વરુણ કુમાર બરનવાલ

સ્વતંત્રતા સપ્તાહ ઉજવણી અંતર્ગત પરેડ, ફેન્સી ડ્રેસ સ્પર્ધા, રંગોળી ચિત્ર સ્પર્ધા, જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું રહેશે. જેમાં પોલીસના જવાનો, શાળાના બાળકો, પરંપરાગત લોકનૃત્ય કલાકારો, અન્ય કલાકારો, પોલીસ બેન્ડ, સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડ, યુવક બોર્ડ, જિલ્લાની આયકોનીક વ્યક્તિઓ સહિત જિલ્લાવાસીઓ સહભાગી બનશે.

મિટિંગમાં નિવાસી અધિક કલેકટર સી.પી.પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આર.આઇ.શેખ, નાયબ વન સંરક્ષક પરેશ ચૌધરી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ:- અયુબ પરમાર (પાલનપુર)