સ્થળ: કલેક્ટર કચેરી, ઈણાજ |
ગીર સોમનાથ જિલ્લાના ઈણાજ સ્થિત કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આજે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી.
બેઠકમાં વિવિધ વોટર લોગિંગ પોઈન્ટ્સના આઈડેન્ટિફિકેશન અને નિવારણ માટેના આગોતરા આયોજન અંગે વિસ્તૃત સમીક્ષા હાથ ધરવામાં આવી હતી. સાથે જ મુલાયમ અને અસરકારક રીતે જનપ્રતિનિધિ દ્વારા રજૂ થયેલા પ્રશ્નો પર પણ ચર્ચા અને માર્ગદર્શન આપવામા આવ્યું હતું.
વિશેષરૂપે ધારાસભ્ય ભગવાનભાઈ બારડ દ્વારા પવનચક્કી કામગીરી, દિશાસૂચક દિવાદાંડી, સૂત્રાપાડાના વિરોદર ગામની જર્જરિત પાણીની ટાંકી, મત્સ્ય ઉતરાણ કેન્દ્ર, બ્રોડગેજ-મીટરગેજ લાઇન સહિતના વિવિધ સ્થાનિક મુદ્દાઓ રજૂ કરાયા હતા.
કલેક્ટરશ્રીએ તમામ સંબંધિત અધિકારીઓને વિભાગીય સંકલન સાથે સક્રિય કામગીરી કરવાની સૂચના આપી અને સુચિત વિષયોના સકારાત્મક નિરાકરણ માટે સમયમર્યાદામાં પગલાં ભરવા તાકીદ કરી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમર, નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલ, જિ.ગ્રા.વિ.એ.ના નિયામક યોગેશ જોશી, સહાયક વન સંરક્ષક વિકાસ યાદવ, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિતના જિલ્લા અને તાલુકા સ્તરના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ