જિલ્લા કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા જૂનાગઢ ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં સહભાગી બન્યા : પ્રાકૃતિક કૃષિ સહિતના કૃષિલક્ષી મુદ્દે ખેડૂતો સાથે પ્રેરક સંવાદ સાધ્યો

જૂનાગઢ જિલ્લામાં તાલુકાવાર આયોજિત રવિ કૃષિ મહોત્સવના બીજા અને અંતિમ દિવસે કૃષિ તજજ્ઞો દ્વારા ખેડૂતોને આધુનિક કૃષિના જુદા જુદા આયોમો અને કૃષિકારોની આવકમાં વધારો કરવા માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાએ આજે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ખાતે આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં સહભાગી થતા જુદા જુદા કૃષિ લક્ષી સ્ટોલની મુલાકાત કરી જરૂરી નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ પ્રાકૃતિક કૃષિ, એગ્રીસ્ટેક અંતર્ગત ખેડૂતોની નોંધણી સહિતના ખેતીલક્ષી મુદ્દે સંવાદ સાધી તેમના પ્રતિભાવો મેળવ્યા હતા.આ તકે કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિતીન સાંગવાને કૃષિ યુનિવર્સિટી, ખેતીવાડી, આત્મા, બાગાયત, ફોરેસ્ટ, સખી મંડળ, ICDS, નેનો યુરીયા, ડ્રોન અને જમીન ચકાસણીના સ્ટોલની મુલાકાત કરી હતી.

ઉપરાંત જિલ્લામાં તાલુકાવાર આયોજિત રવિ કૃષિ મહોત્સવમાં પ્રાકૃતિક ખેતી ઉપરાંત મિલેટ અને બાગાયતી પાકોમાં મૂલ્યવર્ધન, કૃષિ અને બાગાયતી પાકોમાં તાંત્રિકતા, બાગાયતી પાકો સાથે મિક્સ ફાર્મિંગ સહિતના વિષયોને આવરી લઈ ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે કૃષિ વૈજ્ઞાનિકોએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભા ગૃહ ઉપરાંત ભેસાણ ખાતે વિનય મંદિર હાઇસ્કુલ, કેશોદમાં તાલુકા સેવા સદનના કમ્પાઉન્ડ, માળિયા હાટીનાના કુકસવાડા ગામે ચોરવાડ રોડ પર કર્મદીપ ઓઇલ મીલ સામે જુના બસ સ્ટેશનની બાજુમાં, માણાવદરમાં આહીર સમાજ ખાતે, માંગરોળના કરમદી ચિંગરીયા ગામે કોળી સમાજ ખાતે, મેંદરડાના ચિરોડા ગામે લેવા પટેલ સમાજ ખાતે, વંથલીમાં દિલાવર નગર, પેટ્રોલ પંપની બાજુમાં ઉમિયા પ્રોટીન્સ ખાતે અને વિસાવદરના માંડાવડ ગામના શ્રી ડી.વી. શૈક્ષણિક સંકુલ ખાતે રવિ કૃષિ મહોત્સવના અંતિમ દિવસે ખેડૂતતોએ કૃષિલક્ષી પરિસંવાદ અને પ્રદર્શનનો લાભ મેળવ્યો હતો.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)