જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ગેરકાયદે ડીવાઈડર તોડનાર પેટ્રોલ પંપ સંચાલક વિરુદ્ધ કઠોર કાર્યવાહી.

જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા ગેરકાયદેસર નેશનલ હાઇવે પરના ડીવાઈડર તોડનાર પેટ્રોલ પંપ સંચાલક/માલિક વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી,

સીમાસી ગામ પાસે આવેલ નાયરાના પેટ્રોલ પંપ ચાલક દ્વારા નેશનલ હાઈવેનો ડીવાઈડર તોડવાના કારણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી,

ગીર સોમનાથ જિલ્લાના સિમાસી ગામ પાસે આવેલ પેટ્રોલપંપની બાજુમાં નેશનલ હાઇવે પર તા.૨૮/૦૧/૨૦૨૫ ના રોજ ગંભીર અકસ્માત થયેલ હતો. જેમાં ત્રણ યુવકોના ઘટના સ્થળે મૃત્યુ નીપજેલ હતું.આ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દિગ્વિજયસિંહ ડી. જાડેજા દ્વારા સબંધિત ઓથોરિટી તપાસના આદેશ આપવામાં આવેલ હતા.જે તપાસમાં અકસ્માત સ્થળની આગળના ભાગમાં ડીવાઈડર તોડવામાં આવેલ હોવાનું ધ્યાને આવેલ હતું,

જેથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ આ ગંભીર ગુન્હો કરનાર વિરૂદ્ધ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવેલ.જે અન્વયે નેશનલ હાઇવે ઓથોરિટી, ભાવનગરના દ્વારા જરૂરી તપાસ તજવીજ કરતા તૂટેલા ડીવાઈડરની સામેના ભાગમાં આવેલ પેટ્રોલ પંપના માલિક/ સંચાલક દ્વારા પોતાના ધંધાકીય આર્થિક લાભ માટે ડીવાઈડર તોડવામાં આવેલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાતા,આજ રોજ ઉના પોલીસ સ્ટેશનમાં ધોરણસરની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી,

વધુમાં,જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જિલ્લા રોડ સેફ્ટી કમિટીની બેઠકમાં જિલ્લામાં આવા ગંભીર અકસ્માત થતાં અટકાવવા સારું નેશનલ હાઇવે પરના અનધિકૃત રીતે તોડવામાં આવેલ ડીવાઈડરનો સર્વે હાથ ધરી અને તેને યુદ્ધનાં ધોરણે બંધ કરવા આદેશ આપતા, હાઇવે પરના તમામ અનધિકૃત કટિંગ બંધ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.ભવિષ્યમાં પણ નેશનલ હાઇવે પર અનધિકૃત કટિંગનો નિયમિત સર્વે હાથ ધરી અને રોડ સેફ્ટીની બેઠકમાં રજૂ કરવા આર. ટી . ઓ. તથા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવેલ હતી.તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જણાવેલ હતું કે, ભવિષ્યમાં કોઈ પણ ઈશમ દ્વારા ગેરકાયદેસર રીતે ડીવાઈડરને તોડવામાં કે નુકશાન કરવામાં આવશે તો તેના વિરૂદ્ધ કઠોર કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમ જણાવેલ.

અહેવાલ પ્રકાશભાઈ કારાણી (વેરાવળ)