જિલ્લાની જનસુખાકારી યોજના સમયસર અને અસરકારક રીતે અમલમાં આવે તે હેતુસર, આજે ઇણાજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરી અધ્યક્ષતામાં યોજાઈ હતી.
આ બેઠકમાં વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ તથા ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં મુખ્યમંત્રી કાર્યાલયના સંદર્ભવાળી અરજીઓ અંગે ચર્ચા કરવામાં આવી અને સંબંધિત કચેરીઓને સમયમર્યાદામાં કાર્યવાહિ પૂર્ણ કરવાની સૂચના આપવામાં આવી.
જિલ્લા વિકાસ અધિકારીએ 15મા નાણાંપંચની અનુસૂચિ અંતર્ગત નાણા ફાળવણી તથા વિકાસ કામોની સ્થિતી અંગે સમીક્ષા કરી. સૂત્રાપાડા, માઢવાડ અને જેટી વિસ્તારમાં વિકાસકાર્યો, રાયડી ગામે પવનચક્કી સંબંધિત સમસ્યા તથા ધામળેજ બંદર સ્થિત દિવાદાંડી અંગે ચર્ચા કરવામાં આવી. અધિકારીઓને સ્પષ્ટ સુચના અપાઈ કે તમામ કામગીરી નક્કી સમયમર્યાદા અંદર પૂર્ણ થાય તેમ આયોજન કરવું.
બેઠકમાં અધિકારીએ જણાવ્યુ હતું કે, જનસુખાકારીના પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવો એ તંત્રની પ્રાથમિકતા છે અને નાગરિકોની રજૂઆતને ગંભીરતાપૂર્વક લઈ તેનો ઉકેલ લાવવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મૂછાર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકા પ્રમુખ પલ્લવીબહેન જાની, નિવાસી કલેક્ટર રાજેશ આલ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક યોગેશ જોશી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.
અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ