જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન બેઠક યોજાઈ

ચોમાસાની ઋતુમાં પાણી નિકાલ સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન

વેરાવળ,

ગીર સોમનાથ જિલ્લાની ઈણાજ કલેક્ટર કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરની અધ્યક્ષતામાં પ્રિ-મોન્સૂન કામગીરી અંગે બેઠક યોજાઇ. આ બેઠકમાં ફાયર, ફિશરીઝ, નગરપાલિકા, પી.જી.વી.સી.એલ, શિક્ષણ, આરોગ્ય, સિંચાઈ સહિતના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી ચોમાસા માટે પૂરતી તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી.

જિલ્લા વિકાસ અધિકારી સ્નેહલ ભાપકરે કાંસ-કેનાલની સફાઈ, સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ સુધારણા સહિતના કાર્ય પૂર્ણ કરવા અને ચોમાસાની ઋતુ દરમિયાન પાણી નિકાલ સુનિશ્ચિત કરવા માટેના માર્ગદર્શન આપ્યા.

નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલે દ્વારા પણ ગ્રામ પંચાયત અને સરકારી મકાન-સંબંધિત કામગીરી સમયસર પૂર્ણ કરવા અને જર્જરિત આંગણવાડી કેન્દ્રો તથા બિલ્ડીંગ્સના સર્વે કરીને ઝડપી રીપેરીંગ તથા જરૂરી પગલાં લેવા સૂચનાઓ આપવામાં આવી.

આ બેઠકમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને કુદરતી આપત્તિ સમયે ઝડપી કાર્યવાહીની સુવિધા માટે ફાયર વિભાગ, ફિશરીઝ, માર્ગ અને મકાન વિભાગ, આરોગ્ય, ખેતીવાડી, શિક્ષણ અને સિંચાઈ વિભાગો સાથે સહયોગ કરવાની જરૂરિયાત પર ભાર મુકાયો હતો.

ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, ચીફ ઓફિસર કે.આર. પરમાર, જિલ્લા અમલીકરણ અધિકારીઓ, જન પ્રતિનિધિઓ અને કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અહેવાલ: પ્રકાશ કારાણી, વેરાવળ