ગિર સોમનાથ જિલ્લાના માર્ગો પર આવેલા માઇનોર અને મેજર પુલોની હાલની સ્થિતિ ચોમાસાના પગલે વધુ મહત્વની બની હોય ત્યારે કલેકટર શ્રી એન. વી. ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં યોગ્ય તકેદારીના પગલાં રૂપે ટેકનિકલ સ્તરે મોટાપાયે કામગીરી શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં કલેક્ટરે સ્વયં પુલોની મુલાકાત લઈ તાત્કાલિક સ્તરે ચકાસણી અને સર્વે કામગીરી હાથ ધરવા માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીઓને સુચનાઓ આપી હતી.
આ પગલાંના અનુસંધાને, માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા વેરાવળ પેટા વિભાગ હસ્તકના કુલ ૨૦ જેટલા પુલોનું નિરીક્ષણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના ડિઝાઇન સર્કલના ટેકનિકલ અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિરીક્ષણ દરમિયાન પુલની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી, તળિયે ધોવાણ, રેઇનફોર્સમેન્ટની દશા, ડેક સ્લેબ તથા પિયર વગેરેની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.
આ નિરીક્ષણના આધારે જે પુલો જર્જરીત અથવા અતિ નુકસાનગ્રસ્ત અવસ્થામાં જોવા મળ્યા છે, ત્યાં યોગ્ય સુધારાત્મક કામગીરી હાથ ધરવા તથા જો અવાજવી ચાલતી સ્થિતિ જોખમી જણાય, તો પુલ પરથી ભારે વાહન વ્યવહાર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવા માટે પગલાં લેવાયાં છે.
જિલ્લામાં આવા ટેકનિકલ સર્વે કામકાજથી ગિર સોમનાથના નાગરિકોના જીવલેણ અવરજવત રસ્તાઓને વધુ સુરક્ષિત બનાવવાનો પ્રયત્ન હાથ ધરવામાં આવ્યો છે.
અહેવાલ : પ્રકાશ કારાણી, વેરાવળ – સોમનાથ