જૂનાગઢ કાળવા ચોક ખાતે યુકો બેંકના એટીએમમાં ચોરીના પ્રયાસનો ભાંડો ફોડી ક્રાઇમ બ્રાંચે આરોપી ઝડપ્યો

જૂનાગઢ, તા. ૧૭:
જૂનાગઢ શહેરના કાળવા ચોક વિસ્તારમાં આવેલી યુકો બેંકના એટીએમમાં અજાણ્યા ઈસમે ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો ગુનો B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાતા, ક્રાઇમ બ્રાંચે તાત્કાલિક કાર્યવાહી કરી અને સંડોવાયેલ ઈસમને ઝડપી પાડ્યો છે.

પોલીસ મહાનિરીક્ષક શ્રી નિલેશ જજાડિયા તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજાના સૂચનાએતળે જિલ્લામાં બનતી ચોરીના ગુનાની પૃષ્ઠભૂમિ તપાસ અને આરોપીઓની ધરપકડ માટે દિશાનિર્દેશ આપવામાં આવ્યા હતા. જેના અનુસંધાને ક્રાઇમ બ્રાંચના પો.ઈન્સ. શ્રી જે.જે. પટેલના માર્ગદર્શન હેઠળ પો.સબ ઈન્સ. ડી.કે. ઝાલા અને ડી.કે. સરવૈયા તથા પો.સ્ટાફે તકેદારી દાખવી હતી.

પ્રાપ્ત માહિતીના આધારે, એટીએમમાં ચોરીનો પ્રયાસ કરનારો ઈસમ હાલ કાળવા ચોક વિસ્તારમાં હોવાનું માહિતી મળતા ક્રાઇમ બ્રાંચની ટીમે ત્યાં પહોંચી જઇ સંદિગ્ધ ઈસમ જીજ્ઞેશ ઉર્ફે જીગો રમેશભાઈ નીમાવત (ઉ.વ. ૩૮), રહે. ગુજરાત હાઉસિંગ બોર્ડ, ગરબી ચોક વાળી ગલી, જૂનાગઢ ને હસ્તગત કર્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે ગુનાની કબૂલાત આપતાં તેને કાયદેસરની કાર્યવાહી માટે હવાલે કરવામાં આવ્યો છે.

આ સમગ્ર કામગીરીમાં B ડીવીઝન પો.સ્ટેશનના પો.હેડ કોન્સ. કેશુભાઈ કરમટા અને ક્રાઇમ બ્રાંચના પો.હેડ કોન્સ. વનરાજસિંહ ચુડાસમા, આઝાસિંહ સિસોદિયા, ઇન્દ્રસિંહ ઝાલા, તથા પો.કોન્સ. ચેતનસિંહ સોલંકી, દિપકભાઈ બડવા અને દિવ્યેશભાઈ ડાભીનો મહત્વનો ફાળો રહ્યો.

અટકાયેલ આરોપી વિરુદ્ધ B.N.S.ની કલમો ૧૨, ૩૦૫(ક), ૩૩૪(૧) મુજબ ગુનો નોંધાઈ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ