જુનાગઢના ક્રાઈમ બ્રાન્ચ દ્વારા બિલખા પોલીસ સ્ટેશન હદના બાદલપુર ગામના ખેતર વિસ્તારમાંથી જુગાર રમતા કુલ ૭ ઇસમોને ઝડપવામાં આવ્યા છે. છટકામ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફે રૂ. ૭૪,૮૦૦ રોકડ તથા મોબાઇલ ફોન, મોટરસાયકલ સહિત કુલ રૂ. ૨,૭૪,૮૦૦ ના મુદામાલ સાથે આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા અને રેન્જ આઈ.જી. નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ જુગાર તેમજ પ્રોહિબીશન અપરાધો સામે શસ્ત અભિયાન ચાલી રહ્યું છે. આ સંદર્ભે, ક્રાઈમ બ્રાન્ચના PI જે.જે. પટેલ, PSI ડી.કે. ઝાલા તથા તેમની ટીમને બાતમી મળી હતી કે બાદલપુર ગામની સીમમાં આવેલા એક ખાનગી ખેતરમાં યોગેશ ડોબરીયા જુગારનો અખાડો ચલાવતો હોય છે, જ્યાં લોકોને બોલાવી ગંજીફા પાનાં વડે જુગાર રમાડવામાં આવે છે.
પોલીસે તુરંત રેડ કરતા, આરોપી યોગેશ ડોબરીયા સહિત ૬ અન્ય ઈસમો જુગાર રમતા હાલતમાં મળી આવ્યા. રેડ દરમિયાન પોલીસે રૂ. ૭૪,૮૦૦ રોકડ, ૭ મોબાઇલ ફોન (કિ.રૂ. ૩૦,૦૦૦), ૩ મોટરસાયકલ (કિ.રૂ. ૧,૩૦,૦૦૦) સહિત કુલ રૂ. ૨,૭૪,૮૦૦નો મુદામાલ કબ્જે કર્યો છે.
આ કેસમાં પકડાયેલ આરોપીઓના નામે જુગારધારા કલમ ૪ અને ૫ હેઠળ બિલખા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓમાં જુનાગઢ જિલ્લાના વિવિધ ગામોમાંથી આવેલા ખેડૂતો અને લેબર કોન્ટ્રાક્ટરનો સમાવેશ થાય છે.
આ કામગીરીમાં PI જે.જે. પટેલ, PSI ડી.કે. ઝાલા, ASI સામતભાઈ બારિયા, નિકુલ પટેલ, હેડ કોન્સ. જીતેષ ગાય, વનરાજસિંહ ચુડાસમા, કોન્સ. ચેતનસિંહ સોલંકી, શિલભાઈ જમોડ તથા ડ્રાઈવર કોન્સ. વનરાજભાઈ ચાવડા સહિતની ટીમે સફળ કામગીરી કરી હતી.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.