જૂનાગઢ જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધામાં ૧૨૬ સ્પર્ધકોએ ભાગ લીધો.

જૂનાગઢ શહેર ખાતે અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬ અંતર્ગત જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું સફળ આયોજન કરવામાં આવ્યું. સ્પર્ધાનું આયોજન જિલ્લા રમતગમત વિકાસ અધિકારીની કચેરી અને BAPS વિદ્યામંદિરના સંયુક્ત ઉપક્રમે BAPS વિદ્યામંદિર, જૂનાગઢ ખાતે યોજાયું હતું.

આ યોગ સ્પર્ધામાં અન્ડર ૧૪, ૧૭ અને ૧૯ વય જૂથના ભાઈઓ અને બહેનોના વિભાગોમાં કુલ ૧૨૬ સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. યુવાનોમાં યોગ પ્રત્યેનો ઉછળતો ઉત્સાહ સ્પષ્ટ રીતે જણાયો.

સ્પર્ધાના પરિણામો મુજબ, અંડર-૧૪ વિભાગમાં ભુવા અંજલિ અને દેવગણિયા આર્યને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. અંડર-૧૭ વિભાગમાં મિસવા ભાટૂ અને જનક વિરાણીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું, જ્યારે અંડર-૧૯ બહેનોના વિભાગમાં રામ ખુશીએ પ્રથમ સ્થાન હાંસલ કર્યું.

દરેક વય જૂથમાંથી પસંદ કરાયેલા પાંચ-પાંચ ખેલાડીઓ રાજ્ય કક્ષાની આગામી SGFI યોગાસન સ્પર્ધામાં જૂનાગઢ શહેરનું પ્રતિનિધિત્વ કરશે. આ ખેલાડીઓ માટે આ એક અનોખો અવસર બની રહ્યો છે.

આ સ્પર્ધાના સફળ આયોજન માટે જિલ્લા રમત વિકાસ અધિકારી મનીષભાઈ જીલડીયાએ વિશેષ મહેમાન તરીકે હાજરી આપી હતી. સાથે, વિવિધ શાળાના વ્યાયામ શિક્ષકો અને પેનલના પંચોએ પણ પોતાનું યોગદાન આપ્યું.

BAPS વિદ્યામંદિરના કન્વીનર દર્શનભાઈ વાઘેલા અને પ્રીતિમાં કુશારીએ સમગ્ર આયોજનની જવાબદારી ભજવી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શિસ્તબદ્ધ અને સફળ રીતે પાર પડ્યો.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ