જૂનાગઢ જિલ્લામાં રાજ્ય સરકારના સંસ્કૃત સપ્તાહ નિમિત્તે ત્રિ-દિવસીય કાર્યક્રમ અંતર્ગત જિલ્લાના વિવિધ શાળાઓમાં સંસ્કૃત સંભાષણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી.
દ્વિતીય દિવસે, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા સંસ્કૃત સંભાષણ દિવસના ભાગરૂપે વિવિધ શાળાઓમાંથી ૧૮૦૯થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ જોડાયા હતા. ૫૩૭ જેટલી શાળાઓએ વિવિધ કૃતિઓ અને સંસ્કૃત પ્રવૃત્તિઓ દ્વારા સંસ્કૃતના ગૌરવ અને મહત્ત્વને ઉજાગર કર્યુ હતું.
કાર્યક્રમ દરમિયાન વિવિધ શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા જેમાં સ્વાગત નૃત્ય, ભગવદ્ગીતા પાઠ, કૃષ્ણાષ્ટકમ, અષ્ટલક્ષ્મી સ્ત્રોત, સંસ્કૃત નાટક “એકલવ્યની ગુરૂ શ્રદ્ધા”, શિવ તાંડવ, સંસ્કૃત રમતો, મંત્રોચ્ચાર, હાસ્ય યોગ, વક્તૃત્વ સ્પર્ધા, હવન, સંસ્કૃત સમાચારો અને અનેક પરંપરાગત વેશભૂષા સાથે રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું.
વિશેષરૂપે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના ઋષિ પરંપરા વિશે શાળાકીય વિદ્યાર્થીઓએ વિવિધ રોલ પ્લે, શ્લોક પાઠન અને નાટકો દ્વારા ઉજવણીને વૈભવી બનાવી. મહાનુભાવોના ઋષિ પરંપરા મુજબ કુમકુમ તિલક અને પુષ્પોથી ભવ્ય સ્વાગત કરાયું હતું તેમજ યજ્ઞ કુંડમાં મંત્રોચ્ચાર સાથે હવન પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા નોડલ અધિકારી કે.આર. ઊંધાડે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના માર્ગદર્શન હેઠળ શ્રાવણી પૂર્ણિમાના દિવસે ‘વિશ્વ સંસ્કૃત દિન’ની ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને ૬થી ૮ ઓગસ્ટ સુધી રાજ્યભરમાં સંસ્કૃત ગૌરવ યાત્રા, સંભાષણ દિવસ અને સાહિત્ય દિવસની ઉજવણી થઈ રહી છે.
અહેવાલ: નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ.