જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં વિવિધ માર્ગોને સુગમ બનાવવા દિવસ – રાત થઈ રહેલી સરાહનીય કામગીરી

જૂનાગઢ

Advertisement

જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગ્રામ્ય વિસ્તારને શહેર સાથે જોડતા વિવિધ માર્ગોને સુગમ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે.
ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગોની મરામત કામગીરી દિવસ – રાત પુરજોશમાં કરવામાં આવી રહી છે. માર્ગો પર પડેલા ખાડાના કારણે પ્રજાને હાલાકી ન પડે તે માટે કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ડામર પેચવર્ક સહિતની સઘન મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.

જે અંતર્ગત માર્ગ અને મકાન વિભાગ (રાજય) દ્વારા જિલ્લામાં ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ ઉપર પડેલા ખાડાની પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ-ખડિયા-મેંદરડા-સાસણ, જૂનાગઢ-રવની-છત્રાસા,વંથલી-માણાવદર-બાંટવા-સરાડીયા રોડ સહીત જુદા જુદા ગામો – વિસ્તારોનાં માર્ગો પર પડેલા ખાડાઓમાં ડામર તથા મેટલ પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ (રાજય) હસ્તકના ૯૪ રસ્તાઓની કુલ ૧૦૦૪.૪૮કિ.મી લંબાઇ પૈકી મેટલપેચની જરૂરીયાત વાળા રસ્તા પર મેટલપેચની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે, આસ્ફાલ્ટ પેચવર્કની જરૂરિયાત વાળી ૨૫.૫ કિ.મી. લંબાઇમાં મરામત કામગીરી શરૂ કરવામાં આવેલી છે. જે લંબાઇ પૈકી ૧૦.૯ કિ.મી. લંબાઇમાં આસ્ફાલ્ટ પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે તેમજ બાકી રહેતી કામગીરી પ્રગતિમાં છે જે ટુંક સમયમાં જ પૂર્ણ કરવામાં આવશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)

Advertisement