જૂનાગઢ જિલ્લાના નાગરિકોને હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થવા આહવાન કરતા જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા.

જૂનાગઢ

જિલ્લા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા એ જૂનાગઢ જિલ્લા ના નાગરિકોને રાષ્ટ્રધ્વજને પોતાના મકાન, દુકાન સહિતના સ્થળોએ લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી બનવા આહવાન કર્યું છે.

આ સંદર્ભે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે, સમગ્ર દેશમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ હર ઘર તિરંગા અભિયાન શરૂ કર્યું છે, આ સાથે ગુજરાત અને જૂનાગઢ શહેર તથા જિલ્લામાં આ અભિયાન હેઠળ રાષ્ટ્રભાવના ને ઉજાગર કરતા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લાની શાળા, કોલેજમાં ચિત્ર, નિબંધ સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે, એસ.ટી બસ સ્ટેશન સહિતના સ્થળોએથી રાષ્ટ્રધ્વજનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

કલેક્ટરશ્રીએ દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્રધ્વજ ફેહરાવતી વખતે તિરંગાનું માન, સન્માન અને ગરિમા જળવાઈ રહે તેની વિશેષ તકેદારી લેવા પણ અપીલ કરી હતી.

જૂનાગઢમાં સ્વાતંત્ર્ય દિન પૂર્વે તા.૧૪ ઓગસ્ટના સાંજે ૫ કલાકે યોજાનાર તિરંગા યાત્રામાં સહભાગી થવા નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું કે, બહાઉદ્દીન કોલેજ થી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સભા ગૃહ સુધી તિરંગા યાત્રા યોજાશે. જેમાં પોલીસ જવાનો, બાઇક સવાર, બેન્ડ એનસીસી કેડેટ સહિતના લોકો જોડાશે. તેમ જણાવતા કલેકટરશ્રીએ જૂનાગઢના નાગરિકોને આ યાત્રામાં જોડાવા માટે આહવાન કર્યું છે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)