જૂનાગઢ જિલ્લાના બાગાયત ખેડૂતો માટે આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મુકાયું.

જૂનાગઢ 

જૂનાગઢ જિલ્લાના બાગાયત ખેડૂતોને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ માટે બાગાયત ખાતા દ્વારા ચાલતી વિવિધ સહાયલક્ષી યોજનાઓના લાભ આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં આ યોજનાનો લાભ લેવા માંગતા ખેડૂતોએ તા.૧૫/૧૦/૨૦૨૪ સુધી ikhedut portal (www.ikhedut.gujarat.gov.in) પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

રાજ્ય સરકારની વિવિધ સહાયલક્ષી યોજનાઓ હેઠળ આવતા વિવિધ ઘટકો જેવા કે, આંબા તથા જામફળ- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કમલમ ફળ (ડ્રેગનફ્રૂટ)ના વાવેતર માટે સહાયનો કાર્યક્રમ, કેળ (ટીસ્યુ)- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, કોમ્પ્રીહેન્સીવ હોર્ટીકલ્ચર ડેવલપમેન્ટ કાર્યક્રમ, ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળ પાકો-આંબા, જામફળ, દાડમ, લીંબુ માટે, ટીસ્યુકલ્ચર ખારેકની ખેતીમાં સહાય, પપૈયા- ફળપાક ઉત્પાદક્તા વધારવાનો કાર્યક્રમ, ફળપાક પ્લાન્ટીગ મટીરીયલમાં સહાય કાર્યક્રમ, વધુ ખેતી ખર્ચવાળા ફળ પાકો સિવાયના ફળપાકો,સરગવાની ખેતીમાં સહાય, શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન, ફુલપાકો, નેટહાઉસ -નળાકાર સ્ટ્રક્ચર માટે, કોલ્ડ સ્ટોરેજ (બાંધકામ, વિસ્તરણ અને આધુનિકીકરણ ) જેવા વિવિધ ઘટકોમાં સહાયનો લાભ લેવા માંગતા બાગાયત ખેડૂતમિત્રો ઓનલાઈન અરજી કરી શકશે, તેમ બાગાયત વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.

ખેડૂતોએ અરજી કર્યા બાદ ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટઆઉટ અને તેની સાથે જરૂરી સંબધિત સાધનિક કાગળો (૮-અ, ૭-૧૨ ની નકલ, આધારકાર્ડ, ખેડુત નોંધણી પત્રક, બેંક પાસબુકની નકલ/ બેંક ખાતાની વિગત) સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, લઘુકૃષિભવન,નિલમબાગ,તાલુકા સેવાસદનની બાજુમાં જૂનાગઢ ખાતે જમા કરાવવાની રહેશે, એમ નાયબ બાગાયત નિયામક, જૂનાગઢની અખબારી યાદીમાં જણાવાયુ છે. વધુ માહિતી માટે નાયબ બાગાયત નિયામક, જૂનાગઢની કચેરીના ૦૨૮૫-૨૬૩૫૦૧૯ નંબર પર સંપર્ક કરી શકશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે (જૂનાગઢ)