જૂનાગઢ જિલ્લાના વિસાવદર પંથકના ભલગામની માધ્યમિક શાળાના પટાંગણમાં પોષણ ઉત્સવ 2024ની ભવ્ય ઊજવણી કરવામાં આવી

વિસાવદર આઈસીડીએસ ઘટક અંતર્ગત ભલગામ મુકામે સેજા કક્ષાનો પોષણક્ષમ મિલેટ (શ્રીઅન્ન) તેમજ આંગણવાડીમાં અપાતા THR બાલશક્તિ, માતૃશક્તિ, પૂર્ણાશક્તિ અને સરગવાનાં પાનમાંથી બનતી પૌષ્ટિક વાનગી હરીફાઈ કાર્યક્રમ જિલ્લા પંચાયત જૂનાગઢનાં પ્રમૂખશ્રી હરેશભાઈ ઠુંમરની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો હતો.


કાર્યક્રમની શરુઆત પહેલાં જ આમંત્રિત મહાનુભવોના આગમનને વધાવવા કપાળે કુમકુમ તિલક કરી આવકારવામાં આવ્યાં હતા અને આમંત્રિત મહેમાનોનાં વરદ હસ્તે દીપ પ્રાગટ્ય બાદ ઉપસ્થિત મહેમાનોનું વ્યક્તિગત શાબ્દિક સ્વાગતવિધિ કરવામાં આવી હતી. આમંત્રિત મહેમાનોને સન્માનિત કરવા ભલગામ સેજાનાં કાનાવડલા તેમજ શોભાવડલા ગામના આંગણવાડી કેન્દ્રની બહેનોએ પોતાની જાતે મિલેટ તેમજ બાજરીના ડુંડામાંથી બનાવેલ પુષ્પગુચ્છથી મહેમાનોને આવકાર્ય હતા ત્યારે ઉપસ્થીત સૌ કોઈ મહેમાનો માટે મિલેટ અનાજના ડુંડામાંથી બનેલ પુષ્પગુચ્છ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.

જાંબુડા-૧ આંગણવાડીનાં કાર્યકર વિમળાબેન જોશીએ ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કરેલ. ત્યારબાદ આંગણવાડીના નાના નાના ભૂલકાઓએ શ્રી રામ ભગવાનને યાદ કરતું સ્વાગત ગીત રજૂ કર્યું. આંગણવાડીના મિતલબેન તથા જાગૃતિબેન જોશીએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ વિભાગ પણ ખાસ બાળકો, કિશોરીઓ અને સગર્ભા મહિલાઓ તેમજ ધાત્રી માતાઓ સુપોષિત આહાર મેળવે તેમજ પોષણનું સ્તર સુધરે તે માટે અને સ્વાસ્થ્ય માટે સતત પ્રયત્નશીલ છે.પોષક આહાર જ આરોગ્યવર્ધક છે અને દેશનાં ભવિષ્ય માટે ખાસ આંગણવાડી કેન્દ્ર ઉપર આપવામાં આવતાં ત્રિશકિતરૂપી THR બાલશક્તિ, માતૃશક્તિ અને પૂર્ણા શક્તિ તેમજ પૂરક આહાર છેવાડાનાં લાભાર્થી બાળકોને, સગર્ભા સ્ત્રીઓ અને ધાત્રી માતાઓ તેમજ કિશોરીઓ માટે આવશ્યક છે અને પોષક આહાર આપવામાં આવે તે પણ જરુરી છે.

સરકારશ્રીની મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તમામ યોજનાઓ આંગણવાડી કેન્દ્ર દ્રારા લાભાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી રહી છે. ઉપસ્થિત વિસાવદર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઇન્સ્પેકટર રિંન્કેશ પટેલ દ્વારા સ્વસ્થ બાળકોને લક્ષમાં રાખી વિશેષ કાયદાકીય માહિતી પણ આપેલ. આંગણવાડી કેન્દ્રના નાના નાના ભૂલકાઓએ પોતાની આવડત મુજબ રામાયણ, ઐતિહાસિક સંતો, મહાપુરુષો, વીરાંગનાઓ જેવા પાત્રો વેશભૂષા સાથે સંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યો હતો. નાના ઝાંઝેસર ગામની 17 વર્ષીય કિશોરી કાનપરા ભૂમિકા સુરેશભાઈને શાળામાં પુનઃ પ્રવેશ માટે તેમના વાલીને સન્માનિત કરવામાં આવ્યા હતા.


મહત્વનુ છે કે જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમર જણાવ્યું હતું કે ભારત દેશ ભલે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે દેશનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અનેક વિકાસલક્ષી કાર્યો કર્યાં છે પરંતુ દુઃખ એ બાબતનું છે કે આજ ઓછા વજનવાળા બાળક જન્મે છે અને મોટા ભાગે લગ્ન બાદ ટેસ્ટટ્યુબ બેબી તરફ જવું પડે છે અને આ બધા માટે બઝારનાં પડિકાઓ જવાબદાર છે દેશમાંથી કુપોષણ હટાવવા માટે જાડા ધાન્ય એટલે કે મિલેટ અને પૌષ્ટિક આહાર મહત્વનો છે. સરદાર વલ્લભભાઈ પટેલ અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ તેમજ શિવાજી જેવા વ્યક્તિઓ દેશને મળ્યાં છે અને દેશનું ભવિષ્ય સ્વસ્થ બાળકો છે ત્યારે ફ્રાયમ્સ કુરકુરા અને વેફરનાં પડિકા અને મેંદાની વસ્તુઓને ત્યજવા પડશે બાળકને બાજરીનો રોટલો અને તેમાં માખણ અને ગોળ ખવડાવી સ્વસ્થ બનાવી શકાશે આ સાથે જિલ્લા પંચાયતનાં વિવિધ સમિતિના ચેરમેન સભ્યોશ્રી અને તાલુકા પંચાયત વિસાવદરનાં હોદ્દેદારો, ઉપપ્રમુખ ભરતભાઈ કોટડીય દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવેલ કે સરકાર બાળક, માતા તથા સામાન્ય જનતાના પણ સ્વાસ્થ્ય માટે બહુ જ ચિંતિત છે.

સ્વચ્છ ગામ સ્વચ્છ ગુજરાતને સાકાર કરવા સ્વચ્છતાના અભિયાનો ચાલી રહ્યા છે. બાલ્યાવસ્થાથી બાળકોને પોષણક્ષમ આહાર મળે એટલે તંદુરસ્ત ગુજરાતનું નિર્માણ થાય તેમજ સરકારશ્રીની અનેક યોજનાઓ છેવાડાના ગામડાના માનવી સુધી પહોંચે તે માટે કટિબંધ હોવાની વાતો સાથે અનેકવિધ બાબતોની વિસ્તૃત છણાવટ કરેલ. ખાસ બહેનોએ THR મિલેટ અને સરગવાના પાનનો ઊપયોગ કરી બનાવેલી વિવિધતા સભર પૌષ્ટિક વાનગીઓ જોઈ રાજીપો વ્યક્ત કરેલ અને સાથોસાથ અભિનંદન પાઠવેલ.વાનગી સ્પર્ધામાં કુલ ૨૩ આંગણવાડી કેન્દ્રોનાં કાર્યકર બહેનો તેડાગર બહેનો તેમજ કિશોરીઓએ ભાગ લીધેલ હતો અને ૫૬ જાતની જુદી જુદી વાનગીઓ તૈયાર કરવામાં આવેલ અને આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંકલિત બાળવિકાસ યોજના અઘિકારી તરીકે ઉપસ્થીત રહેલ લીલાબહેન વાઢેર તેમજ કાનાવડલા માધ્યમિક શાળાના આચાર્ય ધર્મેશભાઈ રોજીવાડીયા અને ભલગામ ગ્રામ પંચાયતનાં તલાટી કમ મંત્રી અમીષાબહેન સોલંકી દ્વારા પૌષ્ટિક વાનગીઓનું નિરીક્ષણ કરી ગુણવત્તા અને પૌષ્ટિકતાની માત્રા તેમજ સ્વાદ અને સ્વચ્છતા આધારે નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાંથી આંગણવાડી માંથી અપાતાં THRની વાનગીમાંથી બાલશક્તિ કેક બનાવનાર પ્રથમ ક્રમાંકે હેતલબહેન પરમાર વિજેતા જાહેર થયા હતા જ્યારે પુર્ણાશક્તિ ચાટપૂરી બનાવનાર સંગીતાબહેન રાણવા દ્વિતિય ક્રમાંકે વિજેતા જાહેર થયા હતા અને પૂર્ણા શક્તિ ગબગોટા બનાવનાર રીનલબહેન મૈયાત્રા તૃતીય ક્રમાંકે વિજેતા જાહેર થયા હતા. ખાસ મિલેટની વાનગીમાંથી પૌષ્ટિક મિલેટ લાડુ બનાવનાર ભાવનાબહેન ગૌસ્વામી પ્રથમ ક્રમાંકે વિજેતા જાહેર થયા હતા.

જયારે મિલેટ અને કઠોળની ઘૂઘરી બનાવનાર મિતલબહેન કાછડીયા દ્વિતીય ક્રમાંકે વિજેતા જાહેર થયા હતા અને મિલેટ કઠોળનો માળો બનાવનાર સુમીતાબહેન વેકરીયા તૃતીય ક્રમાકે વિજેતા જાહેર હતા. આ સ્પર્ધામાં વિજેતા જાહેર થનાર તમામ બહેનોને મહાનુભવોએ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરેલ અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બહેનોને વાનગી હરીફાઈમાં ભાગ લેવા બદલ બિરદાવ્યા હતા.આંગણવાડી બહેનોએ ખાસ નાટકીય રૂપે બાળકોની તંદુરસ્તી માટે સંવાદો રજૂ કર્યા. આંગણવાડીનાં નાના બાલદેવોએ પોતાની કાકલુદી કાલી ઘેલી ભાષામાં વાર્તાઓએ ઉપસ્થીત મહેમાનનું મન મોહી લીધું હતું. કાર્યક્રમમાં સામાન્ય રીતે ગાઠીયા જલેબી કે ચેવડાનો નાસ્તા અપાતા હોય છે જેને બદલે પૌષ્ટિક તત્વોથી ભરપુર અંકુરિત કરેલ ધાન્ય અને કઠોળની સ્વાદિષ્ટ પૌષ્ટિક ભેળનો નાસ્તો પીરસવામાં આવ્યો હતો તેમજ ચા અને ઠંડા પીણાને બદલે ખાસ આરોગ્યવર્ધક ઉકાળો પણ આમંત્રિત મહેમાનોની પસંદ બન્યા હતા.


કાર્યક્રમમાં ઉપસ્થિત આમંત્રિતો વિસાવદરનાં વરિષ્ઠ પત્રકાર સી.વી.જોશી, જૂનાગઢની જાનકારી ન્યૂઝ ચેનલનાં રામભાઈ કડચા તેમજ નિર્ભય ન્યુઝ, ખાસ ખબર અને જનતા કી જાનકારી તેમજ GVV મિડિયાનાં બ્યુરો સાગર નિર્મળ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ વિસાવદર તાલુકા પ્રમુખ રેખાબેન સરસિયા, જિલ્લા પંચાયત સદસ્ય મધુબેન સાવલિયા, ભલગામના સરપંચ જ્યોત્સનાબેન ગોધાણી, વિસાવદર તાલુકા પંચાયત સદસ્ય પુનાભાઈ કથીરિયા, વિરેન્દ્રભાઈ સાવલિયા, ઝાંઝેસર ગામના સરપંચ જયેશભાઈ ચાક, હાજાણી પીપળીયા સરપંચ રવજીભાઈ પીપળીયા, બશિયાભાઈ, સોમાભાઈ સરસીયા, પો.કોન્સ. ભરતભાઈ કરમટા, હિંમતભાઈ મોરી, આઈસીડીએસ વિસાવદર ઘટકની સ્ટાફ અને બહોળી સંખ્યામાં આંગણવાડીમાં ફરજ બજાવતા બહેનો, લાભાર્થી સગર્ભા મહીલાઓ ધાત્રી માતાઓ તથા બાલદેવો અને ગ્રામજનો ઉપસ્થિત રહેલ.


સમગ્ર કાર્યક્રમના અંતે મહિલા અને બાળવિકાસ વિભાગનાં આઈ સી ડી એસ વિસાવદર ભલગામ સેજાના મુખ્ય સેવિકા પૂનમબેન સિરોદરીયાએ ઉપસ્થિત મહાનુભવો, આમંત્રિતો, તથા આંગણવાડી કાર્યકર બહેનો અને સગર્ભા મહીલાઓ ધાત્રી માતાઓ તથા બાલદેવો અને ગ્રામજનો આભાર વ્યક્ત કરેલ. કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ કમલેશભાઈ ઠુમરનો ભલગામના મુખ્યસેવિકા પૂનમબહેન સિરોદરીયા દ્રારા આભાર વ્યક્ત કરવામાં આવ્યા હોવાનુ અખબારી યાદીમાં જણાવાયું છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)