જૂનાગઢ જિલ્લાના ૧૭ સ્થળોએ યોજાયેલી ઝોન-તાલુકા કક્ષાની કબડ્ડી અને ખો-ખો સ્પર્ધા : 9600થી વધુ વિદ્યાર્થીઓનો ઉત્સાહભર્યો ભાગ.

જૂનાગઢ તા. ૨૫ : ગુજરાત સરકારના રમતગમત વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢના સંકલનથી શાળાકીય રમતોત્સવ (SGFI) ૨૦૨૫-૨૬ની વિવિધ સ્પર્ધાઓનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આ રમતોત્સવ અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં દરેક તાલુકા અને મહાનગરપાલિકાના તમામ ઝોનમાં કુલ ૧૭ અલગ-અલગ સ્થળોએ ઝોન તથા તાલુકા કક્ષાની કબડ્ડી અને ખો-ખો સ્પર્ધાઓ યોજાઈ હતી.

આ બંને ખેલો માટે ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ઊંડો ઉત્સાહ જોવા મળ્યો હતો. કબડ્ડી સ્પર્ધામાં અંદાજે ૩૯૫ જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જ્યારે ખો-ખો માટે ૪૦૭ ટીમો મેદાનમાં ઉતરી હતી. બંને રમતોમાં મળીને લગભગ ૯૬૦૦ જેટલા વિદ્યાર્થી ખેલાડીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

વિજેતા બનનારી ટીમો હવે આગામી જિલ્લાકક્ષાની સ્પર્ધાઓમાં જૂનાગઢ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. ખાસ નોંધનીય વાત એ રહી કે આ તમામ ૧૭ સ્થળોએ સ્પર્ધાઓ એ જ તારીખે અને એ જ સમયે યોજાઈ હતી, જેના કારણે સમગ્ર જિલ્લામાં એકસાથે રમતમય માહોલ સર્જાયો હતો.

આ ખેલમેળાને પ્રોત્સાહન આપવા માટે સ્થાનિક સ્તરના અગ્રણીઓ પણ મેદાનમાં હાજર રહ્યા હતા. સ્પર્ધા દરમિયાન રમતકન્વીનરોના સહકારથી શિસ્તબદ્ધ આયોજન થયું હતું.

દિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, જૂનાગઢ દ્વારા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના જિલ્લા રમતગમત અધિકારી શ્રી મનીષકુમાર જીલડીયા તરફથી તમામ વિજેતા ખેલાડીઓ અને રમતકન્વીનરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ