જૂનાગઢ જિલ્લાના ૯૪ ખેડૂતોએ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન યોજનાનો લાભ મેળવવા અરજી કરી : ખેડૂતો તા.૧૩ ઓગસ્ટ સુધી અરજી કરવી.

જૂનાગઢ

ગુજરાત રાજય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે વધુ એક યોજના અમલી બનાવી છે, લોકોને રાસાયણિક ખાતર અને દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજનામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને રુ. ૨૦ હજાર સુધીની સહાય આપવામાં આવી રહી છે.

જૂનાગઢ જિલ્લાના ૯૪ ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન યોજનાનો લાભ મેળવવા અરજી કરી ચૂક્યા છે, આ માટે પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતો https://ikhedut.gujarat.gov.in – આઇ ખેડૂત પોર્ટલ પર તા.૧૩ ઓગસ્ટ, ૨૦૨૪ સુધી અરજી કરી શકશે.

આ યોજના હેઠળ શાકભાજી ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ માટે પ્રતિ હેક્ટર મહત્તમ રુ. ૨૦,૦૦૦ની સહાય DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલા શાકભાજીની માંગ વધી રહી છે, આ વધતી જતી માંગને પહોંચી વળવા વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિ શાકભાજી પકવે તે ખૂબ જરુરી છે. રાજ્ય સરકારની આ યોજનાના અમલીકરણથી પ્રાકૃતિક ખેત પદ્ધતિથી શાકભાજીના વાવેતરમાં વધારો થશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)