જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદથી પરિસ્થિતિ વણસી – ૫૦ થી વધુ રસ્તા બંધ, ૧૫ એસ.ટી. રૂટ બંધ.

જૂનાગઢ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી સતત અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે. ભારે વરસાદને પગલે જિલ્લામાં કુલ ૫૦થી વધુ માર્ગો અવરજવર માટે બંધ કરવામાં આવ્યા છે. જેમાંથી સ્ટેટ હાઇવેના ૨૧ રસ્તા તથા જિલ્લા પંચાયત હેઠળના ૨૯ રસ્તા સહિત કુલ ૫૦ રસ્તાઓ બંધ છે.

વરસાદી પરિસ્થિતિને કારણે એસ.ટી. વિભાગે ૧૫ રૂટ પરની બસ સેવાઓ બંધ કરી દીધી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, બંધ કરાયેલા રસ્તાઓ ઉપરથી કોઈપણ નાગરિક પસાર ન થાય. સાથે જ જ્યાં પાણીનું ભારે વહેણ વહી રહ્યું હોય, ત્યાંથી અવરજવર બિલકુલ ન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે.

હાલમાં જિલ્લામાં વરસાદી આફતને પહોંચી વળવા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો યુદ્ધના ધોરણે કાર્યરત છે. ખાસ કરીને માંણાવદર તાલુકાના ૮, વંથલી તાલુકાના ૨૪, માંગરોળ તાલુકાના ૨૬ અને કેશોદ તાલુકાના ૧૬ ગામો સહિત કુલ ૭૪ ગામો સંપર્કવિહોણા બની ગયા છે.

આ ગામોમાં પીવાના પાણી, દવાઓ તથા ફૂડ પેકેટ્સની તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે. સાથે જ તંત્ર દ્વારા લોકોને સલામત સ્થળે ખસેડવા, સંચાર વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવા તેમજ રાહત પહોંચાડવા સતત પ્રયાસો ચાલુ છે.


🖊️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ