જૂનાગઢ
ભારત સરકારશ્રી દ્વારા ડિજિટલ એગ્રીકલ્ચરના ભાગરૂપે Agristack Project અમલમાં મુકેલ છે. એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત મુખ્ય ત્રણ કામગીરી આવરી લેનાર છે (૧)ફાર્મર રજીસ્ટ્રી- જેમાં રાજ્યના તમામ ખેડૂતોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને તમામ ખેડૂતોને એક યુનિટ રજીસ્ટર્ડ આઇડી આપવામાં આવશે. (૨)જીઓ રેફરન્સિંગ મેપ- જેમાં દરેક ગામના રેફરન્સિંગ મેપ તૈયાર કરવામાં આવશે. જેમાં મહેસુલ વિભાગ દ્વારા કામગીરી પ્રગતીમાં છે. (૩)ડીજીટલ ક્રોપ સર્વે- જેમાં મોબાઇલ એપ્લિકેશન દ્વારા Geo-Tagging ફોટો સાથે વાવેતર કરેલ પાકોની વિગતો એકત્રિત કરવાની હોય છે. ભારત સરકારશ્રીની સૂચના મુજબ ખરીફ ૨૦૨૪ AGRISTACK PROJECT- DIGITAL CROP SURVEY સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં અમલમાં મુકવામાં આવેલ છે. આ એગ્રીસ્ટેક ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટમાં મહેસુલ વિભાગ, પંચાયત વિભાગ, ખેતીવાડી વિભાગ, બાગાયત વિભાગ, લેન્ડ રેકર્ડ વિભાગ વગેરે વિભાગોનું ક્રોપ સર્વે પ્રોજેક્ટમાં સપ્રમાણ પ્રતિનિઘિત્વ જળવાઈ રહે અનુસાર કામગીરી કરવાની થાય છે. યોજના અંતર્ગત જિલ્લાના દરેક જમીન ખાતા નંબરના તમામ સર્વે નંબરનું ભારત સરકારશ્રી દ્વારા તૈયાર કરવામાં આવેલ મોબાઈલ એપ્લિકેશન દ્વારા Geo-Tagging ફોટો સાથે વાવેતર કરેલ પાકોની વિગતો એકત્રિત કરવામાં આવી રહેલ છે, આ સર્વે માટે VLE,VCE કે અન્ય ગામના ટેકનોલોજીના જાણકાર યુવાનોની ગામ વાર પસંદગી કરી તમામ ખેડૂતોનું ખેતર પર રૂબરૂ જઈ સર્વે કરવામાં આવી રહેલ છે. જૂનાગઢમાં ખરીફ ઋતુની આ કામગીરી ૧૬/૦૮/૨૦૨૪ થી શરૂ કરવામાં આવેલ છે અને આજની તારીખે જિલ્લા માં કુલ ૯૦૦૦૦ સર્વે નંબરનો સર્વે કરી જરૂરી ડેટા એકત્રીત કરવામાં આવેલ છે. તેમજ બાકીના સર્વે નંબરના સર્વેની કામગીરી પ્રગતિમાં છે. ડિજિટલ ક્રોપ સર્વે અંતર્ગત થયેલા ડેટા કમ્પાઇલેશનની મદદથી ભવિષ્યમાં ખેડૂતોને મદદરૂપ થાય તેવી કૃષિ લક્ષી ઘણી કામગીરી સરળ રહેશે. સદર આ ડેટાના માધ્યમથી રાજ્ય, જિલ્લા, તાલુકા વગેરેના થતા વિવિધ પાકોના એક્ચ્યુલ વાવેતરની પાકવાર વિગતો મેળવી શકાશે, જેને આધારે આયાત નિકાસ નીતિઓ તેમજ જે તે ખેતી પાકોના ઉત્પાદનના અંદાજો પણ મેળવી શકાશે.
ડિજિટલ ક્રોપ સર્વે એ પહાણી પત્રકને પણ ડિજિટલ બનાવવા તરફ સાંકળતી કળી છે.જે તૈયાર થતા આવનારા સમયમાં ખેડૂતોને પોતાના ખાતામાં પહાણી પત્રક (નમુના નં.૧૨) નાં દાખલા માટે તલાટી કમ મંત્રી કે ઇ-ગ્રામમાં જવાની જરૂરીયાત ઉપસ્થિત નહીં થાય અને ખેડૂતની જણસીની ખરીદી માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનશે અને ખેડૂતો પોતાની જણસી મુશ્કેલીઓ વગર વેચાણ કરી શકશે. ઉપરાંત આવતા દિવસોમાં આ ડિજિટલ ક્રોપ સર્વે દ્વારા એકત્રિત થયેલ માહિતીને ખેડૂતોનાં યુનિક રજીસ્ટ્રેશન આઈડી સાથે લિંક થતા ખેડૂતોને પાક ધિરાણ અને લોન મેળવવા તેમજ બેંકની અન્ય કામગીરી માટે દાખલાઓ અલગથી કઢાવવાની ઝંજટમાંથી મુક્તિ મળશે. ફાર્મર રજીસ્ટ્રી દ્વારા ખેડૂતોને રોગ જીવાત સામે લેવાના થતા પગલાં મોનસુન આધારીત વિવિધ ચેતવણીને અનુલક્ષીને ખેડૂતોએ અપનાવવાના થતા આગોતરા પગલાં, ખેતીમાં થતા વિવિધ પાકોની જાત તેમજ પાક સંરક્ષણને લગતા સંશોધનો વગેરેની માહિતી પણ ડાયરેક્ટ મેસેજના માધ્યમ થી આપી શકાશે. આ ડિજિટલ ક્રોપ સર્વે માટે જિલ્લા કક્ષાએ માન.કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને સ્થપાયેલ સમિતિ સમગ્ર સર્વે કામગીરીની અમલવારી તથા મોનિટરિંગ કરી રહેલ છે. જ્યારે તાલુકા કક્ષાએ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને 1કામગીરીની સમીક્ષા અને મોનિટરિંગ થાય છે. ઉપરાંત સમગ્ર કામગીરીને દેખરેખ તથા સંચાલન જિલ્લા કક્ષાએ નાયબ ખેતીવાડી નિયામક વિસ્તરણ જૂનાગઢ અને તેની કચેરી દ્વારા કરવામાં આવી રહેલ છે. આમ એગ્રીસ્ટેટ ડિજિટલ ક્રોપ સર્વે એ ભવિષ્ય માં ઉપયોગી થનાર ખૂબ જ અગત્યનો પ્રોજેક્ટ છે જે રાજ્યમાં ડિજિટલ માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવશે. તેમ નાયબ ખેતીવાડી નિયામક (વિસ્તરણ)ની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)