જૂનાગઢ જિલ્લામાં ચાલી રહેલા નારી વંદન સપ્તાહ અંતર્ગત આજે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી હતી..

કાર્યક્રમનું આયોજન ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા વહીવટી તંત્ર, મહિલા અને બાળ કલ્યાણ કચેરી અને રોજગાર કચેરીના સંયુક્ત ઉપક્રમે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સ્થિત સરદાર પટેલ સભાખંડમાં કરવામાં આવ્યું.

આ ઉજવણીના મુખ્ય આકર્ષણ રૂપે “મહિલા સ્વરોજગાર મેળો” યોજાયો હતો, જેમાં મહિલાઓ માટે યોજનાઓ, લોન, ઉદ્યોગ અને રોજગાર અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. આ મેળામાં શ્રી સી.જી. સોજીત્રા, પી.આર. મુછાળ, આર સેટી, બી.ડી.ભાડ, બળવંતભાઈ સોંદરવા, દિપકભાઈ મોઢા, શ્વેતાબેન કુકડીયા, શ્રીરામભાઈ કટારીયા, અંકુરભાઈ ગોહેલ અને સમન મોગલે હાજરી આપી હતી.

રોજગાર કચેરી દ્વારા નિકોન લાઇફ ઇન્શ્યોરન્સ, એલ.આઇ.સી જેવી પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે મળીને ભરતી માટે ઈન્ટરવ્યૂ અને માહિતી સત્રોનું આયોજન પણ કરવામાં આવ્યું. રોજગાર શોધતી મહિલાઓ માટે આ સારો અવસર બન્યો હતો.

કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે સફળ થયેલી મહિલાઓએ પોતાની સફળતાની કહાનીઓ સ્ટેજ પરથી રજૂ કરી, જે અન્ય માટે પ્રેરણાદાયક બની. આ પ્રસંગે તેમને મોમેન્ટો અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

અંતે, ગંગાસ્વરૂપ આર્થિક સહાય યોજના અને વહાલી દિકરી યોજનાના લાભાર્થીઓને મંજૂરી હુકમ તથા મોમેન્ટો આપી ખાસ સન્માનિત કરવામાં આવ્યા હતા.


અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ