જૂનાગઢ જિલ્લામાં જનપ્રતિનિધિઓના પ્રશ્નો અંગે અધિકારીઓને ચોક્કસ સમયમર્યાદામાં કાર્યવાહી કરવા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાનું સૂચન

જૂનાગઢ તા. ૧૭ :
જૂનાગઢ જિલ્લાના જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની મહત્વપૂર્ણ બેઠક જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી.

આ બેઠકમાં પ્રજાલક્ષી પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા માટે અધિકારીઓને સ્પષ્ટ દિશાનિર્દેશો આપવામાં આવ્યા હતાં.
ધારાસભ્ય દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા અને અરવિંદભાઈ લાડાણી દ્વારા રજૂ કરાયેલા પ્રશ્નોની ચર્ચા કરીને કલેક્ટરશ્રીએ દરેક મુદ્દા પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત વર્ણવી હતી.

દબાણ, વિકાસલક્ષી કામગીરી, માર્ગ અને મકાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. સંબંધિત અધિકારીઓએ પ્રશ્નો અંગે વિગતો આપી હતી અને કલેક્ટરશ્રીએ આ મુદ્દાઓનો સમયમર્યાદામાં ઉકેલ લાવવાનો આદેશ આપ્યો હતો.

આ બેઠક બાદ જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક પણ યોજાઈ હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના મહત્વના પ્રવાસન સ્થળોને વધુ વિકસાવવા માટે નીતિગત ચર્ચાઓ કરવામાં આવી હતી.
પ્રવાસીઓને વધુ સગવડ મળે, સુવિધાઓમાં વધારો થાય તેવા પગલાં અંગે માર્ગદર્શન અપાયું.

ઉપરાંત જિલ્લા પુરવઠા તકેદારી બેઠક પણ યોજાઈ હતી જેમાં અનાજ પુરવઠા અને જનકલ્યાણકારક યોજનાઓના અમલ અંગે સમીક્ષા કરવામાં આવી.

આ બેઠકમાં નાયબ વન સંરક્ષક અક્ષય જોશી, પ્રશાંત તોમર, ઈન્ચાર્જ અધિક નિવાસી કલેક્ટર જાડેજા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રશ્નો અંગે પોતપોતાનો પ્રતિસાદ નોંધાવ્યો હતો.

📍 અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ