જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જળવાઇ રહે તે માટે વાહનોની લે-વેચ કરતા કે ભાડે આપતા વેપારીઓએ રજિસ્ટર નિભાવવું આવશ્યક.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં જાહેર સલામતી અને સુરક્ષા જળવાઇ રહે તે માટે જૂનાગઢ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એન.એફ.ચૌધરીએ જૂનાગઢ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જુના વાહનોની લે-વેંચ કરનાર તથા આવા વાહનોને ભાડે આપનાર વ્યક્તિઓએ વાહન કોને વેચવામાં આવ્યું છે, કોની પાસેથી ખરીદવામાં આવ્યું છે, કોને ભાડે આપવામાં આવ્યું છે, ખરીદનાર-વેચાનાર-ભાડે આપનાર-ભાડે લેનારનું પૂરું નામ, ઉંમર, સરનામુ, સંપર્ક નંબર, વાહનનો નંબર, પ્રકાર એન્જિન નંબર, ચેસિસ નંબર, રેશનકાર્ડ-ડ્રાઈવિંગ લાયસન્સ, ચૂંટણીકાર્ડ, બેન્ક ખાતાની પાસબુક, પાનકાર્ડ, પાસપોર્ટ, વીજળી બિલ, ટેલિફોન બિલ, ખરીદનારની સહિ, ખરીદનાર પાસેથી મેળવેલી પ્રમાણિત સહિ ધરાવતી ઝેરોક્ષ(નકલ) સહિતના રજૂ કરવામાં આવેલા આધાર-પુરાવાઓની ફાઈલ બનાવી તે રાખવી. વાહન કોને વેચવામાં આવ્યું છે, કોની પાસેથી ખરીદવામાં આવ્યું છે, કોને ભાડે આપવામાં આવ્યું છે આ બાબતે પાસપોર્ટ સાઈઝનો તાજેતરના ફોટોગ્રાફ સહિતનું રજિસ્ટર સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી સહિ-સિક્કા કરાવી તે રજિસ્ટર નિભાવવાનું રહેશે. નોંધણી થયા ન હોય તેવા વાહનોની લે-વેચ કે ભાડે આપતી વખતે દુકાનદારો- એજન્ટો ખરીદનાર ગ્રાહક પાસેથી ઓળખના પૂરતા પુરાવા મેળવવા આવશ્યક છે.

જૂનાગઢ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા BNSS-2023 ની કલમ-૧૬૩ હેઠળ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે તે જૂના વાહનોના લે-વેચ કરનાર તથા આવા વાહનો ભાડે આપનાર વેપારીઓ-એજન્ટોએ અનુસરવાનું રહે છે.

વાહન લે-વેચ અને ભાડે આપનાર વેપારીઓએ દર મહિનાને અંતે, જૂના ખરીદ-વેચાણ-ભાડે આપવામાં આવ્યા હોય તેવા વાહનોની વિગતો રજૂ કરવાની રહે છે. આ અંગેની વધુ વિગતો જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી, જિલ્લા પોલીસ કચેરી, એ.સો.જી.શાખા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ – પિન નં.૩૬૨૦૦૧ (ફોન નં.૦૨૮૫- ૨૬૩૫૧૦૧) ખાતે મળી શકશે. વધુમાં માસના અંતે આ સરનામે રજૂ કરવાની વિગતો અચૂક રજૂ કરવી.સમગ્ર જૂનાગઢ જિલ્લામાં તા.૦૪ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી અમલી રહેશે. ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNSS-2023 ની કલમ-૨૨૩ શિક્ષાને પાત્ર ઠરશે.

અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)