જૂનાગઢ, તા. 16મે:
હવામાન ખાતાની આગાહી અનુસાર, જૂનાગઢ જિલ્લામાં તા. ૧૫-૦૫-૨૦૨૫ થી ૨૦-૦૫-૨૦૨૫ સુધી છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો થી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. વાદળછાયું વાતાવરણ અને વરસાદને ધ્યાનમાં રાખીને ખેડૂતો પાકના રક્ષણ માટે યોગ્ય પગલાં લેવાનું ખાસ સૂચન કરવામાં આવે છે.
કમોસમી વરસાદથી પાકને નુકસાન ન પહોંચાડવા માટે ખેડૂતોને જણાવવામાં આવ્યું છે કે, ખેતરમાં ઉત્પાદિત અથવા કાપણી કરેલો પાક જો ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવો અથવા પ્લાસ્ટિક કે તાડપત્રી વડે ઢાંકવી. ઢગલાની આસપાસ માટીનો પાળો બનાવીને વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું.
આ સમયગાળા દરમિયાન ખાતર અને જંતુનાશક દવા ઉપયોગ ટાળવા સૂચના આપવામાં આવી છે. ખાતર અને બીજના સ્ટોકને ગોડાઉનમાં સલામત રીતે રાખવા વિનંતી કરાઈ છે.
એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતી પેદાશોનું સંગ્રહ અને વેચાણ સુરક્ષિત રીતે કરવું અને આ દિવસોમાં વધુ પડતી આવક ટાળવી જરૂરી છે.
વિગતો માટે ખેડૂતો તેમના ગામના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી હેલ્પલાઇન 1800 180 1551 પર સંપર્ક કરી શકે છે.
જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત, જૂનાગઢ દ્વારા આવી સૂચનાઓ આપવામાં આવી છે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ