જૂનાગઢ
નારી વંદન ઉત્સવ અંતર્ગત રોજ મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ કચેરી દ્વારા કરવામાં આવી હતી. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનિઓની રેલી યોજવામાં આવી હતી.
જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી સી.જી સોજીત્રા, દહેજ પ્રતિબંધક સહ રક્ષણ અધિકારીશ્રી બી.ડી ભાડ અને શાળાના આચાર્યશ્રીએ રેલીને પ્રસ્થાન માટે લીલીઝંડી આપી હતી. બેટી બચાવો બેટી પઢાવો સૂત્રોચ્ચાર સાથે રેલી આગળ વધારવામાં આવી હતી.
આ રેલી ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કુલ થી આઝાદ ચોક, ચિતા ખાના ચોક, ગાંધી ચોક, તળાવ દરવાજા વિસ્તારોમાં ફરી હતી.આ રેલીમાં મહિલા અને બાળ અધિકારીશ્રી, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલનાં શિક્ષકો, DHEW, PBSC, OSC સ્ટાફ, ૧૮૧ અભયમ, SHE TEAM તેમજ પોલીસ વિભાગ ઉપસ્થિત રહ્યા હતા. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યુ હતું, જે કાર્યક્રમમાં મેસ્ટ્રુઅલ હાઇજિન વિષય પર સંવાદ થકી મહિલા અને બાળ કલ્યાણ કચેરી અંતર્ગત ચાલતી તમામ યોજનાઓની કિશોરીઓને માહિતી આપવામાં આવી. કિશોરીઓને મેસ્ટ્રુઅલ હાઇજિન કિટ આપવામાં આવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)