જૂનાગઢ
દર વર્ષે “સપ્ટેમ્બર માસમાં રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે સાતમા “રાષ્ટ્રીય પોષણ માહ” ની ઉજવણી સપ્ટેમ્બર-૨૦૨૪માં કરવાનું નક્કી કર્યું છે. જે અંતર્ગત ICDS હેઠળની પોષણ અને આરોગ્યની સેવાઓ પ્રત્યે જાગૃતતા લાવવા માટે જન આંદોલન તરીકે સમગ્ર માસમાં અલગ – અલગ એનિમિયા, પુરક ખોરાક, વૃદ્ધિ દેખરેખ, પોષણ ભી-પઢાઇ ભી, સુશાસન, પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોચાડવા ટેકનોલોજી તેમજ સર્વગ્રાહી પોષણ થીમ આધારિત પ્રવૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
જૂનાગઢ જિલ્લા આઇ.સી. ડી.એસ દ્વારા પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં તા.૨ થી ૬ સપ્ટેમ્બર દરમ્યાન એક પેડ મા કે નામ અભિયાન હેઠળ વૃક્ષારોપણ પ્રવૃત્તિ, પોષણ ભી પઢાઈ ભી અને પૂરક આહાર થીમ પર ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ સરગવાળા-૧ આંગણવાડી કેન્દ્ર ખાતે સગર્ભા બહેનો અને ધાત્રી માતાઓ, વાલીઓ, અધિકારીઓની ઉપસ્થિતિમાં સગર્ભા બહેનોને તેમની સગર્ભાવસ્થા દરમિયાન રાખવાની થતી કાળજી સમતોલ આહાર તેમજ બાળકના જન્મથી લઇ ૨ વર્ષ એટલે કે સર્વાંગી વિકાસ માટે સોનેરી ૧૦૦૦ દિવસનું ધ્યાન રાખવા જેવી બાબતો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ બાળકના જન્મ થી ૬માસ સુધી ફક્ત સ્તનપાન જેવા મુદ્દા વિશે વિસ્તૃત સમજૂતી આપવામાં આવી હતી. આ તકે પ્રોગ્રામ ઓફિસરશ્રી વત્સલાબેન દવે દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત થીમ મુજબ પ્રવૃત્તિ પર ધ્યાન કેન્દ્રિત કરી આંગણવાડી કાર્યકર ધ્વારા પૂરક આહાર, સુશાસન- પારદર્શિતા અને કાર્યક્ષમ સેવા પહોંચાડવા માટે ટેકનોલોજી અને પોષણ ભી પઢાઈ ભી અંગે જૂનાગઢ જિલ્લા પંચાયતના તાબા હેઠળની તમામ આંગણવાડી ખાતે ઉજવણી કરવામાં આવી હતી.
અહેવાલ :- નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)