હાલમાં જૂનાગઢ જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે જિલ્લાના પાંચ તાલુકાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ ૭૨ ગામો પૂરની અસર હેઠળ આવી ચૂક્યા છે. આ સંજોગોમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોના આરોગ્ય માટે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા તાત્કાલિક અને સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આજરોજ (૨૦ ઓગસ્ટ) કુલ ૨૦ દર્દીઓનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું. જેમાંથી ૭ દર્દીઓને સરકારી હોસ્પિટલમાં, ૩ દર્દીઓને પ્રાઈવેટ હોસ્પિટલમાં અને ૧૦ દર્દીઓને તેમના સગાં-સંબંધીઓ પાસે ખસેડવામાં આવ્યા. તમામ સ્થળાંતરિત દર્દીઓની સ્થિતિ પર આરોગ્ય વિભાગના નિષ્ણાતો દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
જિલ્લા કક્ષાએ મોનીટરીંગ રૂમ યુદ્ધના ધોરણે કાર્યરત કરવામાં આવ્યો છે, જે હેઠળ સતત માહિતી એકત્રિત કરવામાં આવે છે અને તાત્કાલિક આરોગ્ય સેવાઓ સુનિશ્ચિત કરવામાં આવે છે.
તે ઉપરાંત આરોગ્ય શાખા દ્વારા અસરગ્રસ્ત ગામોમાં ઇમરજન્સી ઓ.પી.ડી. શરુ કરી દેવામાં આવી છે. સાથે જ આશા બહેનો તથા પેરા મેડિકલ સ્ટાફની ટીમો દ્વારા ડોર ટુ ડોર સર્વે શરૂ કરવામાં આવ્યો છે, જેમાં નાગરિકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે.
વિશેષ રૂપે મચ્છરજન્ય રોગો અને પાણીજન્ય રોગોના પ્રસારને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા ઘરોમાં મચ્છર અને માખીના પોરાભક્ષક માછલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સાથે જ નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે જનજાગૃતિ પત્રિકાઓ પણ આપવામાં આવી રહી છે.
આ કામગીરીથી નાગરિકો પોતાના ઘરમાં જ મચ્છર અને માખીનો નાશ કરી શકશે તેમજ પાણીજન્ય રોગો સામે સુરક્ષિત રહી શકશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ