જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદ પછી પશુઓમાં રોગચાળો અટકાવવા પશુપાલન વિભાગ સતર્ક.

જૂનાગઢ જિલ્લામાં સતત વરસતા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિમાં પશુઓના સ્વાસ્થ્ય પર આડઅસર ન થાય, દુધ ઉત્પાદન ઘટે નહીં તેમજ ચેપી રોગચાળો ફેલાય નહીં તે માટે પશુપાલન વિભાગ તરફથી તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.

વિભાગ દ્વારા ખાસ કરીને અસરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત થઈ પશુઓ માટે રસીકરણ, કૃમિનાશક દવાઓનું વિતરણ તેમજ બિમાર પશુઓની સારવાર શરૂ કરવામાં આવી છે.

જિલ્લામાં કુલ ૨૨ પશુચિકિત્સા અધિકારી અને ૫૮ પશુધન નિરીક્ષકોની સાથે ૧૮ જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો ગામે-ગામે જઈ પશુઓનું આરોગ્ય ચકાસણી કરી રહી છે.

હાલ સુધીમાં ૪૧ અસરગ્રસ્ત ગામોમાં ૧,૭૪૦ પશુઓને રસી આપવામાં આવી છે, ૨,૨૭૮ પશુઓને કૃમિનાશક દવાઓ આપવામાં આવી છે અને ૧૭૧ બિમાર પશુઓને યોગ્ય સારવાર પૂરી પાડવામાં આવી છે.

જૂનાગઢ જિલ્લામાં ગાય-ભેંસનો કુલ આંક ૩.૭૫ લાખથી વધુ છે, જ્યારે ઘેટાં-બકરાંનો આંક લગભગ ૭૮ હજારથી વધુ છે. આવા મોટા પશુધનની વચ્ચે રોગચાળો ફેલાય નહીં તે માટે સતત દેખરેખ અને તાત્કાલિક સારવાર મહત્વપૂર્ણ બની રહે છે.

પશુપાલકોને પણ માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે કે ભારે વરસાદ દરમિયાન પશુઓને શુષ્ક જગ્યાએ રાખે, ચારો-પાણી શુદ્ધ આપશે અને ચેપી રોગનાં લક્ષણો દેખાય તો તાત્કાલિક નજીકના પશુ આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરે.

આ રીતે પશુપાલન વિભાગ અને સ્થાનિક તંત્રની સંયુક્ત કામગીરીથી પશુઓમાં રોગચાળો અટકાવવા મહત્વપૂર્ણ પ્રયાસો ચાલી રહ્યા છે.


🖊️ અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ, જૂનાગઢ