જૂનાગઢ જિલ્લામાં યુદ્ધના ધોરણે માર્ગ મરામતની કામગીરી ૫૦ રસ્તાઓની પેચવર્કની કામગીરી પૂર્ણ.

જૂનાગઢ

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા રસ્તાઓનું મરામત કાર્ય તંત્ર દ્વારા પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે. બિસ્માર રસ્તાઓનું મેટલિંગ દ્વારા પેચવર્ક થઇ રહ્યું છે, હાલ જિલ્લાના માર્ગ અને મકાન-પંચાયત વિભાગ હેઠળના ૫૦ જેટલા રસ્તાઓનું પેચવર્ક પૂર્ણ કરવામાં આવ્યું છે.

આ કામગીરી સંદર્ભે જરુરી વિગત આપતા જિલ્લા પંચાયતના માર્ગ અને મકાનના કાર્યપાલક ઇજનેર શ્રી ગોહિલે જણાવ્યું કે, ભારે વરસાદના કારણે જૂનાગઢ જિલ્લામાં પંચાયત માર્ગ હસ્તકના અંદાજિત ૮૫ જેટલા રસ્તાઓ નુકસાન થવા પામેલા હતા. આ રસ્તાઓમાં નુકસાની થવા પાછળનું કારણ આપણે જોઈએ તો જે અનિયમિત વરસાદની પેટર્નના કારણે, રસ્તા પર ઘસારા, ભારે વાહનોની અવર જવર થવાના કારણે આ નુકસાની ઘણીવાર પામતી હોય છે. જિલ્લા વહિવટી તંત્રના માર્ગદર્શન હેઠળ યુદ્ધના ધોરણે રસ્તાને મરામત કરવાની પ્રક્રિયા હાથ ધરેલ છે. જેમાં ૫૦ જેટલા રસ્તાઓની પેચ વર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના ૨૫ જેટલા માર્ગોનું મેટલિંગ પેચવર્ક પૂરજોશમાં શરુ છે, જે વહેલી તકે પૂર્ણ કરી દેવામાં આવશે. આમ, લોકોને વાહન વ્યવહારમાં રાહત મળી રહે તે માટે માર્ગ મરામતની કામગીરી તંત્ર દ્વારા ઝડપભેર કરવામાં આવી રહી છે.

અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જૂનાગઢ)