રાજયના ચૂંટણી આયોગ, ગાંધીનગરના તા.૨૧/૦૧/૨૦૨૫ થી પ્રસિધ્ધ કરાયેલ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત ફેબ્રુઆરી-૨૦૨૫ માં જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ મહાનગરપાલિકા તથા કુલ-૬ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ જૂનાગઢ જિલ્લાની તાલુકા પંચાયતોની કુલ-૨ બેઠકોની પેટા ચૂંટણી યોજાનાર છે. જે અંતર્ગત મતગણતરી તા.૧૮/૦૨/૨૦૨૫ નાં રોજ થનાર છે.
આ મતગણતરીના દિવસોએ મત ગણતરીના સ્થળે ચૂંટણીના પરિણામો જાણવા માટે મોટી સંખ્યામાં માણસો એકત્ર થવાની શકયતાઓ રહેલી છે. ચૂંટણીના પરિણામોના કારણે પણ તેના પ્રત્યાઘાતો પડે તેવી સંભાવના છે. આ કારણે મત ગણતરીના સ્થળે તંગદીલીભર્યું વાતાવરણ ન સર્જાય તથા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ અમૂક કૃત્યો પર પ્રતિબંધ મૂકવાની જરૂર જણાય છે.
જે અન્વયે જૂનાગઢ જિલ્લા મેજીસ્ટ્રેટ અનિલકુમાર રાણાવસિયા એ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૬૩ હેઠળ ઉકત ચુંટણીની મત ગણતરી જયાં થનાર છે તે સ્થળો ખાતે મત ગણતરીના સ્થળની ૨૦૦ મીટરની ત્રિજયામાં મતગણતરીના દિવસે એટલે કે તા.૧૮/૦૨/૨૦૨૫ ના રોજ ૦૦-૦૦ કલાકથી મત ગણતરીની કામગીરી પૂર્ણ થતો સુધીના સમય માટે નીચે મુજબના કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવું છું. જે મુજબ ચાર કે તેથી વધુ માણસોએ એકી સાથે ભેગા થવું નહી.
જાહેર સુલેહશાંતી જોખમાય તેવા સૂત્રો પોકારવા નહી. કોઈપણ વ્યકિતએ લાઠી અંગર ઇજા થાય તેવા હથિયાર સાથે રાખીને ફરવું નહી. કોઈ વ્યકિતએ કોઈ પણ જાતના વિસ્ફોટક પદાર્થો અગર આગ લાગે તેવો કોઈ પદાર્થ સાથે રાખવો નહી.કોઈ વ્યકિતએ કોડ લેસ ફોન, મોબાઇલ ફોન, વાયરલેસ સાથે પ્રવેશવું નહીં.મત ગણતરી ખંડની અંદર અધિકૃત અધિકારીશ્રીએ જેમને અધિકૃત કરી ઓળખપત્ર આપેલ છે તે સિવાયની કોઈપણ વ્યકિતએ પ્રવેશવુ નહી.ચૂંટણી કામગીરીની ફરજ ઉપર હોય અને ચૂંટણી પંચના તત્કાલીન આદેશાનુસાર અધિકૃત કરાયેલ હોય તેવા અધિકારી/કર્મચારીને આ હુકમ લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર BNS, ૨૦૨૩ ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે.
અહેવાલ : નરેન્દ્ર દવે સાથે જગદીશ યાદવ (જુનાગઢ)